(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૭
આણંદ શહેરમાં લોટીયા ભાગોળમાં રહેતા અને કૈલાશભુમિમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા જયંતિભાઈ શનાભાઈ ગોહેલ સ્મશાનગૃહ પાસે પોતાની હાથ લારી લઈ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતા એક્ટીવાના ચાલકે હાથલારીને ટક્કર મારી દેતા જયંતિભાઈને ધક્કો વાગતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. આ વખતે પુરપાટ ઝડપે આવતા એક નંબર વગરના આઈશર ટેમ્પાના ચાલકે જયંતિભાઈને અડફેટમાં લઈ લેતા જયંતિભાઈને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાતા જ એક્ટીવાનો ચાલક પોતાનું એક્ટીવા મુકી તેમજ આઈશર ટેમ્પાનો ચાલક પોતાનો ટેમ્પો લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં વડોદરા શહેરમાં રહેતા ડો.પંકજભાઈ ભાઈશંકર જોષી પોતાની કાર લઈ વડોદરાથી ભાદરણ આવવા નીકળ્યા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે તેઓની કારને ટક્કર મારી દેતા સર્જાયેલા અકસ્માતમાં અંદર બેઠેલ ડો.પંકજભાઈને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.