(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૨૭
આણંદ જિલ્લામાં વધુ ૧૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૯ કેસ માત્ર આણંદ શહેરના છે. જયારે આજે એક દર્દીનું મોત નિપજયું છે, આણંદ શહેરમાં છેલ્લા ૭૨ કલાકમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૪૬ ઉપર પહોંચી છે. આજે આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની જુદી-જુદી ટીમો દ્વારા સેનેટાઈઝ અને આરોગ્ય સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં લોકલ સંક્રમણ સતત વધી રહ્યું છે અને આણંદ શહેર કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું હોય તેમ કોરોનાના સૌથી વધુ કેસો આણંદ શહેરના જોવા મળી રહ્યા છે. આજે કોરોના પોઝિટિવના વધુ ૧૬ કેસ નોંધાયા છે. જેમાં અબ્દુલરહેમાન યુસુફભાઈ વ્હોરા (ઉ.વ.૬૧), વ્હોરા રોશન સાલેશભાઈ, સલમાબેન ઐયુબભાઈ વ્હોરા (ઉ.વ.૫૭) રહે, વ્હોરા રૂકશાનાબેન યાસીનભાઈ (ઉ.વ.૪૦) રહે, ફિરોજભાઈ વ્હોરા (ઉ.વ.૪૭), યાકુબભાઈ વ્હોરા (ઉ.વ.૫૮), રૂકૈયાબાનુ એસ. વ્હોરા (ઉ.વ.૫૭), અબ્દુલ હઈભાઈ વ્હોરા (ઉ.વ.૫૯), નુરમહંમદભાઈ વ્હોરા (ઉ.વ.૫૫) રહે, જાવેદભાઈ વ્હોરા (ઉ.વ.૩૩), બાલશુબ્રમણ્ય રામાસ્વામી આર. (ઉ.વ.૫૯), કુરેશી સલીમ અબ્દુલભાઈ (ઉ.વ.૬૦), વ્હોરા અબ્બાસ ઈબ્રાહીમ (ઉ.વ.૬૦), કૃણાલ શાહ (ઉ.વ.૩૫), પીરજપુરનાં ૫૫ વર્ષીય પ્રોઢ સહિત ૧૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી બે દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં અને બાર દર્દીઓ વડોદરાના મુસ્લિમ મેડીકલ સેન્ટરમાં સારવાર હેઠળ છે. આણંદ શહેરમાં આજે વધુ ૧૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આણંદ શહેરમાં સૌથી વધુ કેસ છે. જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓના પરિવારના સભ્યો તેમજ આસપાસમાં રહેતા લોકોના આરોગ્યનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર વિસ્તારમાં સેનેટાઈઝ કરી વિસ્તારને કન્ટેઈનમેન્ટ કરવામાં આવ્યું હતું. આજે આણંદ શહેરમાં એક કોરોનાં પોઝિટિવ વૃદ્ધ દર્દીનું મોત નિપજતા આણંદ જિલ્લામાં કોરોનાં પોઝિટિવથી મૃત્યુની સંખ્યા ૧૪ પર પહોંચી છે. આણંદ શહેરમાં ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ૭૨ કલાકમાં ૪૬ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. અને જો હવે જનતા પોતે તકેદારી નહી રાખે તો આગામી દિવસોમાં કોરોના પોઝિટિવ કેસોનો વિસ્ફોટ થાય તેમ લાગી રહ્યું છે.