(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૧૮
લોકડાઉન બાદ અનલોક-૧ માં છુટછાટ અપાતા આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે અને એક જ દિવસમાં જિલ્લામાં કોરોના પોઝિટિવના સાત કેસ નોંધાયા છે. જેમાં આંકલાવ અને આસોદરમાં શાકભાજીના વેપારીનો કોરોના પોઝિટિવ કેસ આવતા કોરોના સંક્રમણ હજુ વધવાની ભીતિ સેવાઈ રહી છે. આજે નગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કોરોના પોઝિટિવ નોંધાયેલા દર્દીના નિવાસસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ કરી હતી. તેમજ દર્દીના પરિવારજનો અને આસપાસમાં રહેતા લોકોનું આરોગ્યની ટીમો દ્વારા આરોગ્ય પરીક્ષણ કરી ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં ગઈકાલે કોરોના પોઝિટિવના ત્રણ કેસ નોંધાયા બાદ આજે આણંદ જિલ્લામાં વધુ સાત કેસ નોંધાયા છે. જેમાં આસોદર ગામે ઉંડુ ફળિયામાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા જીતેન્દ્રભાઈ રાવજીભાઈ પઢિયાર (ઉ.વ. ૩૯) આંકલાવમાં ગંગાપાર્ક સામે આવેલ સર્વોદય સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા ભાવિનભાઈ કૈયાલાલ ચૌહાણ (ઉ.વ. ૩૨) ઉમરેઠમાં મુળેશ્વર મહાદેવ નજીક દરજીવાડના નાકા પાસે રહેતા ફરીદમિયાં કાસમમિયાં ચૌહાણ (ઉ.વ. ૬૫) તેમજ ઉમરેઠના વાઘનાથ ચકલા નજીક આંબલીચકલામાં રહેતા હીતેશભાઈ અંબાલાલ પટેલ (ઉ.વ. ૩૯) વલ્લભ વિદ્યાનગરમાં રેલ્વે સ્ટેશન નજીક અવકુલ હોટલ પાછળ રહેતા લુકમાનખાન મામુરકાન મેવાડી (ઉ.વ. ૪૭) પેટલાદ શહેરમાં જુમ્મા મસ્જિદ નજીક રહેતા મુનીરભાઈ મુસ્તુફાભાઈ પઠાણ (ઉ.વ. ૪૦) અને ખંભાતમાં ચોવીસી બ્રહ્મપોળમાં રહેતા દિનેશભાઈ મોહનલાલ રાણા (ઉ.વ. ૪૬) સહિત સાત વ્યક્તિઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જે પૈકી છ દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. જ્યારે એક દર્દીની સ્થિતિ સ્ટેબલ છે. જ્યારે આણંદ શહેરમાં સો ફુટ રોડ ઉપર આવેલી શ્રીજીપાર્ક સોસાયટીમાં રહેત ઉસ્માનશા ભીખાસા દિવાન (ઉ.વ. ૩૯) નો કોરોના પાઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેઓ વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે બાકરોલ ત્રિવેણી લેન્ડમાર્કમાં રહેતા અને વિદ્યાનગર ન્યુ સ્ટાઈલ બ્યુટીપાર્લર ચલાવતા તુલસીબેન રાકેશભાઈ સોની (ઉ.વ. ૧૯)ને લો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેથી તેઓના ઘરમાં જ હોમ ક્વોરેન્ટાઈન કરી સારવાર આપવામાં આવી રહી છે.