(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૩
આણંદ જિલ્લામાં કોેરોનાં પોઝિટિવનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે,અને કોરોનાં વિસ્ફોટ થયો હોય તેમ આજે જિલ્લામાં ૨૦થી વધુ કોરોનાં પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે કોરોનાંગ્રસ્ત એક દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજયું છે, કોરોનાં પોઝિટિવનાં ૨૦ દર્દીઓ પૈકી ૧૦ દર્દીઓ માત્ર આણંદ શહેરનાં છે. મળતી વિગતોે અનુસાર આણંદ તાલુકાના વલાસણ ગામે રહેતા નરેન્દ્રભાઈ મણીભાઈ પટેલ નામના વૃદ્ધને ગત તા.૨૫ના રોજ કોરોના પોઝિટિવ થયો હતો. જેમને તરત જ કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમનું અવસાન થયું હતું. આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૬૫ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેમાંથી ૪૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. મોટાભાગના દર્દીઓ કરમસદ હોસ્પિટલમાં છે. આણંદ પાલિકા હોસ્પિટલમાં ચાર દર્દીઓ છે. એ સિવાય ખંભાતની કાર્ડીયાર્ક કેર, વડોદરાની કષ્ટભંજન હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલ તથા એમએમસી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય, પોલીસ અને પાલિકાની ટીમોએ આ તમામ વિસ્તારોમાં જઈને સેનેટાઈઝ કરી પરિવારના સભ્યોને હોમ ક્વોરન્ટાઈન કરી દીધા હતા. આણંદ શહેરમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે લોકલ સંક્રમણને કારણે વધી રહ્યું છે જેને લઈને ચિંતાનું વાતાવરણ સર્જાઈ જવા પામ્યું છે. વહિવટી અને પોલીસતંત્ર દ્વારા જા તાકીદે કોઈ કડક પગલાં ભરવામાં નહીં આવે તો શહેર કોરોનાગ્રસ્ત થઈ જશે તેમ કહેવાઈ રહ્યું છે. કોરોનાં સંક્રમણ હવે શહેરના પોશ વિસ્તારોમાં પ્રસર્યું છે, જયારે આણંદની કોર્ટમાં ફરજ બજાવી રહેલા અને વડોદરાના એક જજનો પણ કોરોના પોઝિટિવ આવતા નગરપાલિકાની ટીમ દ્વારા કોર્ટ પરિસરમાં આજે સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.