(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૧૯
આણંદ જિલ્લામાં આજે ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી આણંદ શહેરમાં કોરોના પોઝિટિવના બે કેસ નોંધાયા છે. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં અનલોક-૧ બાદ છુટછાટ અપાતા કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આજે નોંધાયેલા ચાર કેસોમાં આણંદ શહેરમાં સો ફુટ રોડ ઉપર આવેલી ક્રિશ્નાપાર્ક સોસાયટીમાં રહેતા હુસેનાબેન અકબરભાઈ ટીનવાલા ઉ.વ. ૨જનું કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે. હુસેનાબેન આણંદની સ્મિત હોસ્પિટલમાં ફરજ બજાવતા હતાં. આજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેઓના પરિવારના ચાર સભ્યોના આરોગ્ય પરીક્ષણ કરાયા હતા. જ્યારે સો ફુટ રોડ ઉપર આવેલી શ્રીજીપાર્ક સોસાયટીમાં રહેતા ઉસ્માનશા દિવાન ઉ.વ. ૩૮ જેઓ વ્યવસાયે વકીલ છે તેઓનો પણ કોરોના પરીક્ષણ કરાતા કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે.
જ્યારે આણંદ તાલુકાના સારસા ગામે સતકૈવલ સોસાયટીમાં રહેતા નીકુંજભાઈ પટેલ ઉ.વ. ૩૯ તેમજ ખંભાત શહેરમાં અલીંગ ચાર રસ્તા વિસ્તારમાં રહેતા પાર્થ રાણા ઉ.વ. ૨૧ નો આજે કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે. ચારેય દર્દીઓની સ્થિતિ હાલમાં સ્ટેબલ હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ ચારેય પોઝિટિવ દર્દીઓના પરિવારજનોને હોમક્વોરેન્ટાઈન કરી મકાનની આસપાસના વિસ્તારને કન્ટેઈમેન્ટ કરવામાં આવ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસ સતત વધી રહ્યા છે. તે ચિંતાનો વિષય છે. છેલ્લા ૭૨ કલાકમાં જિલ્લામાં ૧૪ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે.