(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૮
આણંદ જિલ્લામાં આજે વધુ આઠ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેને લઈને આરોગ્ય વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા કોરોના પોઝિટિવ દર્દીના પરિવારજનો તેમજ સંપર્કમાં આવનારી વ્યક્તિઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં આજે નોંધાયેલા આઠ પોઝિટિવ કેસમાં પેટલાદ તાલુકાના સુણાવ ગામે મોટી ભાગોળ વિસ્તારમાં રહેતા ૭૨ વર્ષીય વૃદ્ધ, આણંદ તાલુકાના વધાસી ગામે સંતોષી ચોકમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધ, પેટલાદની પ્રતાપનગર સોસાયટીમાં રહેતા ૫૬ વર્ષીય પ્રોઢ, ઉમરેઠ તાલુકાના શીલી ગામે મોટા ફળિયામાં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધ, આણંદ તાલુકાના અડાસ ગામે આર.આર.સ્ટ્રીટમાં રહેતા ૪૭ વર્ષની મહિલા, રાસનોલ ગામે વકતાકાકા વાળા ફળિયામાં રહેતો ૨૦ વર્ષીય યુવક, ખંભાતના લાલદરવાજા વિસ્તારમાં રહેતા ૭૮ વર્ષીય વૃદ્ધા, આણંદ શહેરમાં ૮૦ ફૂટ રોડ પર આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષના યુવક સહિત આઠના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. જે પૈકી ત્રણ દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં, એક દર્દી વડોદરાની હોસ્પિટલમાં, બે દર્દીઓ હોમ આયસોલેટેડ, એક દર્દી વાસદની યુનિટી હોસ્પિટલમાં, એક દર્દી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમાં ત્રણ દર્દીઓ ઓક્સિજન પર અને પાંચ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે.