(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૬
આણંદ જિલ્લામાં આજેે વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાવાની સાથે કોરોના પોઝિટિવના દર્દીઓની કુલ સંખ્યા ૧૩૧ને પાર કરી ગઈ છે. મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રીજ પાસે આવેલી નયા વતન સોસાયટીમાં રહેતી ૩૬ વર્ષિય મહિલા તેમજ ખંભાત શહેરમાં કાઝીવાડમાં કાદરી મસ્જિદ પાસે રહેતા ૬૩ વર્ષીય વૃદ્ધનો કોરોનાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.આણંદ શહેરમાં નયા વતન સોસાયટીમાં રહેતી ૩૬ વર્ષીય મહિલા વડોદરા ખાતે પોતાનાં પીયેરમાં જતી આવતી હોઈ તે દરમિયાન તેણીને કોરોનાંનો ચેપનું સંક્રમણ લાગ્યું હોવાનું મનાઈ રહ્યું છે. તેમજ નયા વતન સોસાયટીને સીલ કરી કન્ટેઈનમેન્ટ કરી અવર જવર કરવા પર પ્રતિબંધ મુકી દઈ પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. ખંભાત શહેરમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા દર્દીનાં મકાન તેમજ આસપાસનાં મકાનોને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા અને આરોગ્યનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ મકાનના આસપાસના વિસ્તારને બંધ કરી પ્રતિબંધીત જાહેર કરવામાં આવ્યો હતો.આજે રીપોર્ટ આવેલા બંને દર્દીઓ એમ.એમ.સી. હોસ્પિટલ વડોદરાના આયસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. ૧૦૫ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે કોરોનાં પોઝિટિવ ૧૨ દર્દીઓનાં મોત નિપજયા છે.