(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૭
આણંદ શહેરમાં કોરોનાં વાયરસ કોવીડ ૧૯નો પ્રથમ કેસ નોંધાયા બાદ કલેકટર દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરીને શાકભાજી,કરીયાણું, દૂધનાં ખરીદ સમયમાં ધટાડો કરવામાં આવ્યો છે,અને હવે સવારે ૭ થી ૧૦ દરમિયાન ત્રણ કલાક માટે જ આવશ્યક ચીજ વસ્તુઓ અને શાકભાજીની દુકાનો ચાલુ રાખી શકાશે, અને લોકો હવે કામ સિવાય બહાર નીકળી શકશે નહી,પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવશે.આણંદ ખાતે કલેકટર આર જી.ગોહીલએ જણાવ્યું હતું કે જિલ્લામાં બુધવારથી આગામી ૧૪મી એપ્રિલ સુધીના સમયગાળા દરમિયાન અમુલ પાર્લર,દુધ પાર્લર,અમુલ ડેરીનેં આઉટલેટ પાર્લર, શાકભાજી વિતરણની દુકાનો, લારીઓ, કરિયાણાની દુકાનો પર સવારના ૭ થી ૧૦-૦૦ કલાક સુધી જ શાકભાજી, દુધ, અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વિતરણ કરવાની રહેશે. તે સિવાયના સમયગાળા દરમ્યાન ઉક્ત વિતરણ વ્યવસ્થા સદંતર બંધ રહેશે. શહેરની સોસાયટીમાં ફરતા ફેરીયા, લારીઓને સવારના ૧૦-૦૦ કલાક સુધી જ શાકભાજી, દુધ, અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વિતરણ કરવાની રહેશે. આણંદ ટાઉન પોલીસ સ્ટેશન સામે આવેલ મોટી શાક માર્કેટ, ફ્રુટ માર્કેટ અને જુના દાદર પાસે આવેલ ફ્રુટ માર્કેટ, ગુજરાતી ચોક પાસે આવેલ ફ્રુટ માર્કેટ ,શાક માર્કેટ સદંતર બંધ રહેશે. તેના શાકભાજી-ફ્રુટ વિક્રેતાઓ વૈકલ્પિક વ્યવસ્થારૂપે શાસ્ત્રી મેદાન, ગુરુદ્વારા રોડ, આણંદ ખાતે સવારના ૧૦.૦૦ કલાક સુધી જ સોશીયલ ડિસ્ટન્સીંગ જળવાય તે મુજબ દુર-દુર બેસી વેચાણ કરી શકશે.