(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૯
આણંદ જિલ્લા પંચાયતમાં બાંધકામ વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કોન્ટ્રાકટરનું બીલ મંજુર કરી નાણા ચુકવવા બાબતે ધક્કા ખવડાવી નાણા ચુકવવામાં આવતા ના હોઈ આર્થિક રીતે ત્રસ્ત થઈ ગયેલા કોન્ટ્રાકટરએ આજે જિલ્લા પંચાયતની બાંધકામ શાખામાં પાંચ લીટર કેરોસીન ભરેલું ડબલું લઈને જઈ આત્મ વિલોપન પ્રયાસ કરતા કર્મચારીઓ દ્વારા કેરોશીનનું ડબલું પકડી લઈને આત્મ વિલોપનનો પ્રયાસ કરતા રોકયા હતા. આ ઘટનાને લઈને જિલ્લા પંચાયતમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આણંદ તાલુકાનાં રાસનોલ ગામે રહેતા બાબુભાઈ મગનભાઈ પરમારએ કેપી એજન્સી પાસેથી જિલ્લા પંચાયતનો ખેરડા ગ્રામ પંચાયતનું નવુ ભવન બનાવવા માટેનો કોન્ટ્રાકટ લીધો હતો. બીલના નાણાં નહીં ચુકવાતા બાબુભાઈ આજે બપોરનાં સુમારે પાંચ લીટર કેરોશીન ભરેલું ડબલુ લઈ જિલ્લા પંચાયતની કચેરીમાં બાંધકામ વિભાગમાં જઈને આત્મ વિલોપનનો પ્રયાસ કરતા કર્મચારીઓ દ્વારા કેરોસીન ભરેલું ડબલું લઈ લીધું હતું અને બાબુભાઈને પકડી લઈને આત્મ વિલોપન કરતા અટકાવ્યા હતા,જેને લઈને કર્મચારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.