(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૨૪
આણંદ ફાયર બ્રીગેડ વિભાગમાં ફાયર ફાઈટર કર્મચારીઓની ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ફાયર બ્રીગેડમાં હંગામી ધોરણે ફરજ બજાવતા કર્મચારીઓનો ભરતીમાં સમાવેશ કરવાની માંગ સાથે આજે વોલિયેન્ટરી કર્મચારીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
મળતી વિગતો અનુસાર આણંદ નગરપાલિકા દ્વારા ફાયર બ્રીગેડમાં કાયમી કર્મચારીઓની ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે ત્યારે ફાયર બ્રીગેડમાં છેલ્લા ઘણા વર્ષોથી વોલિયેન્ટરી ડેઈલી વીઝીટમાં અને ઈમ્પ્રેશન કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓએ આજે કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર આપી નવી ભરતીમાં જુના કર્મચારીઓનો સમાવેશ કરવાની માંગ કરી હતી. થોડા સમય પહેલા અમદાવાદ મ્યુન્સીપલ કોર્પોરેશન દ્વારા વોલીન્ટરી ભરતી બહાર પાડવામાં આવેલ તમામ જુના અને કોઈપણ રીતે ફાયર વિભાગ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ સામેલ થઈ શકે તે મુજબ આ ભરતી કરવામાં આવી હતી. જેથી આણંદ ફાયર બ્રીગેડમાં પણ ફરજ બજાવતા તમામ કર્મચારીઓનો આ ભરતીમાં સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર આપવામાં ફાયર બ્રીગેડના ડેઈલી વીઝીટ વિભાગના અને ઈમ્પ્રેશન ફાયર બ્રીગેડના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.