(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.ર૨
આણંદ શહેરમાં ટ્રાફીક પોલીસની કનડગત અને હપ્તાઓની માગણી કરી મારજૂડ કરી વાહન ડીટેઈન કરી વારંવાર કરાતી હેરાનગતિને લઈને આણંદનાં રિક્ષાચાલકે આગામી ર૬મી જાન્યુ.એ પ્રજાસત્તાક દિવસે જ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે અને આ અંગે તેઓએ પોલીસ મથકના પીએસઆઈને લેખિત અરજી આપી છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં સલાટીયા રોડ પર રહેતાં અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા સિરાજભાઈ ઈસ્માઈલભાઈ મન્સુરી પાસે ટ્રાફીક પોલીસમાં ફરજ બજાવતાં હે.કો.કનુભાઈ વિઠ્ઠલભાઈ ભોઈ દ્વારા વારંવાર ખોટી રીતે ડરાવી ધમકાવી હપ્તાની માગણી કરવામાં આવે છે અને જો હપ્તો આપવાની ના પાડે તો હે.કો.કનુભાઈ દ્વારા રિક્ષાચાલક સિરાજભાઈને મારઝૂડ કરી વાહન ડીટેઈન કરી કનડગત કરવામાં આવે છે.
શારીરીક માનસિક ત્રાસથી ત્રસ્ત થયેલા સિરાજભાઈએ ટ્રાફિક શાખાના પીએસઆઈને અરજી આપી પોલીસની હેરાનગતિથી મૂકતી મળે તેવો રસ્તો શોધી આપવાની માગ કરી છે તેમજ તેઓએ અરજીમા જણાવ્યું છે કે તેઓ પોલીસ ચોકી નજીક આવેલ પોતાના દીકરાની પાનની દુકાન સાથે રીક્ષા લઈ ઉભા હતા ત્યારે તેઓને રસ્તા પર ઉભા રાખી મારજુડ કરવામા આવી હતી જેથી તેઓએ જો હેકો કનુભાઈ અને પોલીસ કર્મચારીઓ વીરૂદ્ધ યોગ્ય પગલા ભરવામા નહી આવે તો આગામી તા. ર૬-૧-ર૦૧૮ના રોજ જાહેર માર્ગ પર આત્મવીલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છેે તેમ અરજીમાં જણાવ્યું છે.