(સંવાદદાતા દ્વારા)

આણંદ, તા.૯

આણંદ શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લા ૧૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આણંદ શહેરમાં પોણા પાંચ ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે સૌથી ઓછો ૮ મીમી વરસાદ ખંભાતમાં નોંધાયો છે. જ્યારે ગામડી તળાવ ઓવરફલો થતાં શહેરની હિના પાર્ક, ભરવાડ ટેકરી સહિતના વિસ્તારોમાં પાણી પ્રવેશી જતાં લોકો હાલાકીમાં મૂકાયા છે. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ગઈકાલે સાંજે ચાર વાગ્યા બાદ ઝડપી પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને રાત્રી દરમિયાન પણ સારો વરસાદ પડતાં આણંદ શહેરમાં છેલ્લા ૧૪ કલાકમાં ૧૧૭ મીમી એટલે કે પોણા પાંચ ઈંચ વરસાદ ખાબકતા શહેરના ભાલેજ ઓવરબ્રિજની બાજુમાં બિસ્મિલ્લા સોસાયટી તરફ જવાના માર્ગ પર, કોમ્યુનિટી હોલ તરફ જતાં માર્ગ પર, ઈસ્માઈલનગર, ૧૦૦ ફૂટ રોડ પર, આણંદ વિદ્યાનગર માર્ગ પર સહિત વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ગામડી તળાવ ઓવરફલો થતાં હિના પાર્ક સોસાયટી, ભરવાડ ટેકરી વિસ્તાર, તેમજ ઈસ્માઈલનગર કબ્રસ્તાનની પાછળની સોસાયટી તરફના માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા, તેમજ ઘરોના ઓટલાઓ સુધી પાણી આવી ગયા હતા. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષાના અહેવાલ અનુસાર છેલ્લા ૧૪ કલાકમાં આણંદ ૧૧૭ મીમી, સોજીત્રા ૮૯ મીમી, તારાપુર ૭૬ મીમી, પેટલાદ ૬૫ મીમી, બોરસદ ૩૨ મીમી, ઉમરેઠ ૨૫ મીમી, આંકલાવ ૨૫ મીમી, ખંભાત ૮ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે ખેડા જિલ્લામાં પણ ગઈકાલે સાંજે ૪ વાગ્યા બાદ ઝડપી પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને રાત્રીના બે વાગ્યા સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. ખેડા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષાના અહેવાલ અનુસાર છેલ્લા ૧૦ કલાકમાં કઠલાલ ૮૯ મીમી, કપડવંજ ૧૧૨ મીમી, ખેડા ૭૯ મીમી, ગળતેશ્વર ૧૪ મીમી, ઠાસરા ૧૪ મીમી, નડિયાદ ૭૪ મીમી, મહુધા ૧૦૪ મીમી, મહેમદાવાદ ૧૦૪ મીમી, માતર ૮૪ મીમી, વસો ૮૩ મીમી વરસાદ નોંધાયો છે. નડિયાદ શહેરમાં ત્રણ ઈંચ વરસાદ પડવાના કારણે શહેરને પશ્ચિમ વિસ્તારને જોડતા ગરનાળા શ્રેયસ ગળનારા, માઈ મંદિર ગરનાળુ, ખોડિયાર ગરનાળામાં પાણી ભરાઈ ગયા જતાં રસ્તાઓ બંધ થઈ ગયા હતા તેમજ વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. મોસમમાં સૌ પ્રથમવાર ધોધમાર વરસાદ થતાં ખેડૂતોના ચહેરા પર આનંદ પ્રસરી ગયો હતો અને વરસાદથી ડાંગરના પાકને જીવતદાન મળશે તેવી લાગણી જોવા મળી હતી. વરસાદને લઈ ઠંડક પ્રસરી જતાં બાફ અને ઉકળાટથી ત્રાસેલી પ્રજાએ રાહતનો અનુભવ કર્યો હતો.