(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
૫૨ અમરનાથ યાત્રીઓને આતંકવાદીઓની ગોળીઓથી બચાવનારા બસ ડ્રાઇવર શેખ સલીમ ગફૂરને વીરતા માટે નાગરિકોને અપાતા સર્વોચ્ચ વીરતા પુરસ્કાર ‘ઉત્તમ જીવન રક્ષક’થી સન્માનનવામાં આવશે. ગણતંત્ર દિવસ પહેલા ગૃહ મંત્રાલય દ્વારા આ અંગેનીજાહેરાત કરવામાં આવી છે. સર્વોત્તમ જીવન રક્ષા પદક વીરતા માટે નાગરિકોને અપાતું સર્વોચ્ચ સન્માન છે. ગફૂરને અમરનાથ યાત્રીઓ પર આતંકવાદી હુમલા દરમિયાન બસ ચલાવી રાખવા બદલ બહાદૂરી માટે પુરસ્કાર આપવામાં આવશે. ૧૦ મી જુલાઇ ૨૦૧૭ના રોજ અમરનાથ યાત્રીઓ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો.
અમરનાથ યાત્રીઓ પર હુમલામાં સાત યાત્રાળુઓના મોત થયા હતા જ્યારે ૧૪ અન્ય ઘવાયા હતા જોકે, બસમાં બેસેલા ૫૨ યાત્રીઓને ગફૂરે પોતાની હિંમત તથા બહાદૂરીથી બચાવી લીધા હતા. એવોર્ડ ઉપરાંત ગફૂરને એક લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવશે. ગણતંત્ર દિવસના રોજ પોલીસ બહાદૂરી બદલ ૧૦૭ એવોર્ડ આપવામાં આવશે જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસને સૌથી વધુ ૩૮, સીઆરપીએફને ૩૫, છત્તીસગઢને ૧૦, મહારાષ્ટ્રને ૭, તેલંગાણાને ૬ એવોર્ડ એનાયત કરાશે.આમાં પાંચ આઇપીએસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. યાદી અનુસાર સૌથી વધુ બહાદૂરી પુરસ્કાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીવિરોધી અભિયાન દરમિયાન સંકળાયેલી સલામતી દળોના જવાનોને આપવામાં આવ્યા છે. નક્સલ અસરગ્રસ્ત વિસ્તારો તથા ઉત્તરપૂર્વના ત્રમ પ્રાંતોમાં સેવા બજાવતા ૩૫ પોલીસ જવાનોને પોલીસ બહાદૂરી પુરસ્કારથી સન્માનિત કરાશે.