(એજન્સી) તા.૧ર
યુ.કે. પોલીસનો આતંકવાદ વિરોધી દળ સંભવિત તિરસ્કારના ગુના વિશે તપાસ કરી રહી છે. યુ.કે.ના ઘણા લોકોને મુસ્લિમો પર હુમલો કરવા માટે પ્રોત્સાહન આપતા પત્રો મળ્યા હતા. આ પત્રોમાં ૩ એપ્રિલને મુસ્લિમને સજાના દિવસ તરીકે વર્ણન કરવામાં આવ્યું હતું. અહેવાલ પ્રમાણે લંડન, વેસ્ટ મિડલેન્ડસ અને યોર્કશાયરના કેટલાક રહેવાસીઓને પોસ્ટ દ્વારા આ પ્રકારના પત્રો મળ્યા હતા. કેટલાક લોકોએ આ પત્રનો ફોટો પાડી સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યો હતો. આ તિરસ્કાર ફેલાવતી પત્રિકામાં કહેવામાં આવ્યું હતું કે, તેઓએ તમને નુકસાન પહોંચાડયું છે અને તેઓએ તમારા વહાલાઓને પણ મુશ્કેલીમાં મૂકયા છે. તેઓ તમારી પીડાનું કારણ બન્યા છે. તમે આ વિશે શું કરશો ? આ પત્રિકાઓમાં મુસ્લિમો પર હુમલો કરનારને યોગ્ય બદલો આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. મુસ્લિમને ગાળ આપવા માટે ૧૦ પોઈન્ટ, તેના ચહેરા પર એસિડ ફેંકવા માટે પ૦ પોઈન્ટ, મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ કરવા માટે ૧૦૦૦ પોઈન્ટ અને મક્કા શહેર પર પરમાણુ હુમલો કરવા માટે રપ૦૦ પોઈન્ટ આપવાની જાહેરાત આ પત્રિકાઓમાં કરવામાં આવી છે. બ્રિટનમાં ર.પ મિલિયનથી પણ વધારે મુસ્લિમો વસવાટ કરે છે અને ત્યાં ઈસ્લામ બીજો સૌથી મોટો ધર્મ છે. શનિવારે વેસ્ટ યોર્કશાયર અને લંડન મેટ્રોપોલિટન પોલીસે આ પત્રિકાઓ માટે જવાબદાર વ્યક્તિને પકડવા સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું. વેસ્ટ યોર્કશાયર પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે, લોકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને હું અમારા સમુદાયોને ડરીને નહીં પરંતુ જાગૃત રહેવાની અપીલ કરું છું. આપણે જ્યારે સાથે ઊભા રહીએ છીએ ત્યારે આપણે વધારે મજબૂત બનીએ છીએ અને અમને વિભાજિત કરી શકાશે નહીં. બ્રિટનના મુસ્લિમો, ધર્મગુરૂઓ, રાજકારણીઓ અને નાગરિક અધિકાર સમૂહોએ આ ઘટના માટે ભય વ્યક્ત કર્યો હતો. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના આંતરધર્મીય સંબંધોના વડા એન્ડ્રયુ સ્મિથે પણ આ ઘટનાની નિંદા કરી હતી.
આતંકવાદ વિરોધી પોલીસે ‘મુસ્લિમને સજા’ દિવસ પત્રો વિશે તપાસ શરૂ કરી

Recent Comments