(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૭
પાણીના ગેરકાયદેસર કનેકશન મામલે પાલિકાએ આતાપી થીમપાર્કનાં સંચાલકોને ફટકારેલા રૂા.૮૬.૪૦ લાખના દંડ સામે કોઇ વસુલાત ન થઇ શકતા આજે સામાજીક કાર્યકર્તાઓ પાલિકા ખાતે હાજર મેયર, ડે.મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ તથા અન્ય કોર્પોરેટરોનું ગુલાબનું ફુલ અને મેમોરન્ડમ આપી સ્વાગત કર્યું હતું.
આજવા ગાર્ડનવાળી જગ્યામાં આતાપી થીમપાર્ક એન્ડ એડવેન્ચર પાર્ક બનાવવામાં આવ્યો છે. પીપીપી મોડેલથી બનાવાયેલા થીમપાર્કનાં સંચાલકોએ પાણી માટે છ ઇંચનું જોડાણ પોતાના વપરાશ માટે પાલિકાની મંજુરી વિના લઇ લીધું હતું. તાજેતરમાં એક મુસ્લિમ બાળકનું અહીં પાણીની ટાંકીમાં પડી જવાના કારણે મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના બાદ પાલિકાનું તંત્ર પાણીની ગેરકાયદેસર લાઇન મામલે એકશનમાં આવ્યું હતું. જે સાથે આતાપી થીમપાર્કનાં સંચાલકોએ અહીં કેટલીક જમીન પર દબાણ કર્યું હોવાની બાબત ધ્યાને આવતા તંત્રએ અહીં માપણીની કામગીરી કરાવી હતી. આ સાથે પાણીનાં ગેરકાયદેસર કનેકશન મામલે આતાપીને રૂા.૮૬.૪૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે મામલે પાલિકાએ હજુ બાકી નિકળતા રકમની વસુલાત કરી નથી. જેથી કેટલાક સામાજીક કાર્યકર્તાઓ અને આરટીઆઇ એકટીવીસ્ટો આજે સત્તાધિશોનું ગુલાબનાં ફુલ અને આવેદન આપી સ્વાગત કર્યું જે પાછળ પાલિકા આતાપી થીમપાર્કની બાકી નિકળતી રકમ ઝડપથી વસુલે તેનું દબાણ લાવવાનું છે.