અમદાવાદ,તા.૧૭
પાટણ કલેકટર કચેરી અને આત્મવિલોપન કરનારા ભાનુભાઈ વણકરનું સારવાર દરમ્યાન મોત નીપજતા દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દલિતોને સમજાવવા આવેલા કડીના ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીને ટોળાએ ભગાડયા હતા. તેમજ તેમની ઉપર ટપલીદાવ પણ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ભાનુભાઈ વણકરનું મોત નીપજયા બાદ તેમના પરિવારજનોએ સરકાર સમક્ષ કેટલીક માંગો મુકી હતી. જેમાં તેમની માગણીઓ સ્વીકારો નહીં તો મૃતદેહ-સ્વીકારશે નહીં. તેવી માગ કરી હતી. ત્યારે ભાનુભાઈ વણકરના પરિવાર અને દલિતોને સમજાવવા માટે કડીના ધારાસભ્ય કરશન સોલંકી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. પરંતુ તેમને દલિત સમાજના લોકોનો રોષનો ભોગ બનવું પડયું હતું. લોકોએ તેમની વાત માની નહીં અને તેમને ત્યાંથી ભગાડયા હતા. કેટલાક લોકોએ તેમની સાથે ટપલીદાવ કરીને તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી. જેથી જનઆક્રોશથી બચવા માટે કરશન સોલંકીને ત્યાંથી ભાગવું પડયું હતું. આ દલિત એકિટવિસ્ટ ભાનુભાઈ વણકરનું આત્મવિલોપન બાદ મોત થતા દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.