(એજન્સી) નવી દિલ્હી, તા.૯
દલિત નેતા અને ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ ‘રાવણ’એ જાહેરાત કરી છે કે, રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ વિરૂદ્ધ ચૂંટણીમાં ટકરાશે. અત્યાર સુધી એ જાહેરાત કરાઈ નથી કે, યોગી આદિત્યનાથ ક્યાંથી ચૂંટણી લડશે તેઓ વિધાન પરિષદના સભ્ય છે પરંતુ વિધાનસભાના સભ્ય નથી. આ મુદ્દે વાત કરતાં આઝાદે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં કોઈ સ્થાને જીતવું મારા માટે મહત્ત્વનું નથી. મારા માટે મહત્ત્વનું એ છે કે, યોગી આદિત્યનાથ વિધાનસભામાં ના આવવા જોઈએ, તેથી જ્યાંથી તે ચૂંટણી લડશે ત્યાંથી હું લડીશ. તેમણે વધુમાં કહ્યું કે, તેમની પાર્ટી દલિત, મુસ્લિમો અથવા પછાત જાતિના ઉમેદવારો ઉતારી શકાય ત્યાંથી ઉતારશે અને આઝાદ સમાજ પાર્ટી પોતાના બળે આ ચૂંટણી લડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં પણ જાહેરાત કરી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વારાણસીમાંથી ચૂંટણી લડશે. બાદમાં તેમણે આ પ્રસ્તાવને પાછો ખેંચી લીધો હતો અને તેના બદલે સાથે ચૂંટણી લડી રહેલા બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીને ટેકો આપ્યો હતો. આજે પોતાની આઝાદ સમાજ પાર્ટી હોવાનું ઉમેરતાં ચંદ્રશેખરે ખુલાસો કર્યો કે, તે વખતે મેં પીએમ વિરૂદ્ધ ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું પણ તે વખતે મારી કોઈ પાર્ટી ન હતી. માયાવતીએ ત્યારે મને કહ્યું હતું કે, મતોના વિભાજનને બદલે તેઓ તેમના ઉમેદવારને સમર્થન કરે તે સારૂં રહેશે, તે સમયે બીએસપી અને એસપીને સમર્થન આપવાના સવાલ અંગે તેમણે કહ્યું કે, મારો હેતુ માત્ર ભાજપને રોકવાનો હતો અને તેથી જ હું તેમના મુખ્યમંત્રીને અટકાવવા માંગું છુંંં. કાંતો માયાવતી તેમની સાથે લડે અથવા મને લડવા દે. હું મજબૂત છું અને આદિત્યનાથનો સામનો કરી શકું છું. લોકો જાણે છે કે, હું ટકાઉ છું પણ બીકાઉ નથી અને ભાગી જવાનો પણ નથી.
Recent Comments