(સંવાદદાતા દ્વારા)
વાગરા, તા.૯
કોરોના સામેના જંગમાં લોકડાઉન તો જાહેર કરાયું પરંતુ આ લોકડાઉન મજૂર અને ગરીબવર્ગ માટે કોરોના કરતાં પણ વધુ ઘાતક પુરવાર થઈ રહ્યું છે. વાગરા તાલુકાની વિલાયત ઔદ્યોગિક વસાહતમાં આવેલ આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના ફાઈબર પ્લાન્ટના કેટલાક કામદારો એ પગારની માંગ સાથે કંપની બહાર ગેટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. કોરોના વાયરસને કારણે દેશમાં લોકડાઉન જાહેર થતાં ઉદ્યોગો ઠપ્પ થઈ ગયા હતા. જેથી મજૂર વર્ગને ઘરે બેસવાનો વારો આવ્યો હતો. જો કે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા અપીલ કરી હતી કે શ્રમિક વર્ગ તેમજ ગરીબોનું વેતન ન કાપી કપરા સમયમાં તેઓનો સહયોગ કરવો. પરંતુ વિલાયત જીઆઇડીસીમાં આવેલ ગ્રાસિમ કંપનીના સંચાલક તેમજ કોન્ટ્રાકટર દ્વારા કામદારો સાથે અણછાજતો વ્યવહાર કરી પૂરતો વેતન આપવાનો નનૈયો ભણવામાં આવ્યો હતો. જેથી કંટાળેલા કામદારો કંપનીના પ્રવેશદ્વાર પર વેતનની ઉગ્ર માંગ કરવા લાગ્યા હતા.