અમદાવાદ,તા.ર૭
વિધાનસભામાં ર૧મી માર્ચે અનુસૂચિત આદિજાતિ કલ્યાણ અને આદિજાતિ વિસ્તાર પેટા યોજનાની માગણીઓના સંદર્ભમાં આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ આપેલા જવાબ અંગે એકલવ્ય સંગઠનના પૌલોમી મિસ્ત્રી અને હેમંતકુમાર શાહે ખુલાસો કરતા જણાવ્યું હતું કે કાયદો થયાના ૧૦મા વર્ષમાં ૪૪ ટકા આદિવાસીઓને જમીનમાં ખેતી કરવાના અધિકારપત્ર અપાય છે. જમીનની માલિકી તો એક ટકાને પણ મળી નથી. તથા આદિવાસીઓએ કરેલા દાવાના ૧૦મા ભાગ જેટલી જ જમીન સરકારે આપી છે. તથા કાયદાના અમલની બાબતમાં ગુજરાત નવમા ક્રમે છે અને વિધાનસભામાં ગણપત વસાવાની રજૂઆતો પણ અર્ધસત્ય છે. તેમ જણાવ્યું હતું. અને આગામી સમયમાં આદિવાસીઓના પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો જલદ કાર્યક્રમો પણ અપાશે તેમ જણાવ્યું હતું. ગૃહના સત્રમાં ર૧ માર્ચના રોજ અનુસૂચિત આદિજાતિ કલ્યાણ અને આદિજાતિ વિસ્તાર પેટા યોજનાની માગણીઓના સંદર્ભમાં પ્રશ્નોની ચર્ચા પર આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ આપેલો જવાબ અર્ધસત્ય છે અને જમીનની હકીકત કરતા ખોટા છે. તેમ જણાવતા એકલવ્ય સંગઠન દ્વારા જણાવાયું હતું કે ગુજરાત સરકારની આદિજાતિની વેબસાઈટ પર ૩૦-૧૧-ર૦૧૭ના રોજ મળેલી માહિતી પ્રમાણે ૧,૮ર,૮૬૯ વ્યકિતગત દાવાઓ નોંધવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર ૮૧,૧૭૮ દાવાઓ જ મંજુર કરવામાં આવ્યા છે. સરકાર શા માટે બાકીના દાવાઓ મંજૂર કરતી નથી. ભારતના વન અધિકાર નિયમ ર૦૦૭ મુજબ આદિવાસીઓને જમીનની માલિકીની સનદ સરકાર દ્વારા અપાવી જોઈએ. જયારે ગુજરાત સરકારે ખેડૂતોને અધિકારપત્ર જ આપ્યા છે. જે અધિકાર પત્રોનું કોઈ કાનૂની મૂલ્ય જમીનની માલિકીની દૃષ્ટિએ નથી. તથા આ અધિકારપત્ર અધિકારીના સહી વગરના હોય છે અને તેમાં મેડિકલ ઓફિસરની સહી હોય છે જે મેડિકલ ઓફિસરને આમ કંઈ લાગતું વળગતું જ નથી. અને વનવિભાગ ગુજરાત હાઈકોર્ટના હુકમ ર૦૧રનો પણ ભંગ કરે છે અને આદિવાસીઓની જમીન પર વનવિભાગ દ્વાર પ્લાન્ટેશન કરવામાં આવે છે અને આદિવાસી ખેડૂતોને હેરાન કરવામાં આવે છે સાબરકાંઠાના આદિવાસી સોલંકી બંસીભાઈએ જણાવ્યું હતું કે અમને જે હક પત્ર આપવામાં આવે છે તે કોઈ જ કામ વગરના છે. અમને હક પત્ર નહી સનદ જોઈએ છે તેમ કહી તેમણે તેમના જમીન મામલે હક સનદની માગણી કરી હતી. તેવી જ રીતે રાજયમાં આદિવાસી પટ્ટો અંબાજીથી ઉમરગામ સુધીના કેટલાક આદિવાસીને તેઓની જમીનના હકપત્રો પણ નથી અપાયા તેઓને હકપત્રો અને જંગલ વિસ્તારની જમીન પર તેમને માલિકી હક અપાય તેવી એકલવ્ય સંગઠનની માગણી છે અને જો આ માગણી ન સંતોષાય તો આગામી સમયમાં રસ્તા રોકો જેવા જલદ કાર્યક્રમો આપવામાં આવશે તેમ એકલવ્ય સંગઠનનાં હોદ્દેદારોએ જણાવ્યું હતું.