(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર
વંથલી તાલુકાના બંટીયા ગામની સીમમાં આદિવાસી યુવતી ઉપર બળાત્કાર ગુજારવાનો બનાવ બનવા પામેલ છે. ભોગ બનનાર યુવતીએ આબરૂં જવાની બીકે ઝેરી દવા પી લઈ જીવનનો અંત આણતાં આરોપી વિરૂદ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બંટીયા ગામે બનેલા એક બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આંબાકાચ ગામે મૂળ મકડવા ફળિયામાં રહેતા અને હાલ બંટીયા ગામની સીમમાં કાંતિભાઈ બાણગરીયાની વાડીએ રહેતા એક આદિવાસીએ ફરિયાદ નોંધાવી છે કે આ કામનો આરોપી મનોજ કાંતિભાઈ બાણગરીયા (પટેલ) ગત તા.૩૧/૧/૧૮ કલાક ૧૮ વાગ્યાના અરસામાં બનેલા બનાવમાં બંટીયા ગામની સીમમાં ફરિયાદીની પત્ની (ઉં.વ.૩૦) સાથે આરોપીએ બળજબરીથી બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ચુપ રહેવા ધમકી આપેલ હતી. આ અંગે સાહેદ નવલાભાઈ જોઈ જતાં આરોપીએ મોટર સાયકલમાં ભોગ બનનારને પોતાના ઘરે લઈ ગયેલ. આ દરમ્યાન કોઈપણ રીતે આબરૂં જવાની બીકે ભોગ બનનારે ઝેરી દવા પી જતાં ભોગ બનનારનું મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગે આરોપી વિરૂદ્ધ કલમ ૩૭૬, ૩૦૬ સહિતની વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ કેશોદના એએસપી સંજય ખરાત ચલાવી રહ્યા છે.