(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૪
દેહરાદૂન એકસપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા આદિવાસી યુવાનનાં પાંચ હજાર રૂપિયાની લૂંટ કરી લૂંટારૂએ યુવાનને ટ્રેનમાંથી નીચે ફેંકી દીધો હતો. જેના પગલે ટ્રેનમાંથી પટકાયેલા મુસાફરનો ડાબો પગ નીચે નીચે આવી જતાં કપાઇ ગયો હતો. કપાઇ જતાં યુવાનનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, મધ્યપ્રદેશના ભાળા ગામમાં રહેતો વિજય રમણભાઇ સીમલીયા વડોદરા ખાતે મજુરી કામ કરતો હતો. પોતાના શેઠ પાસેથી પાંચ હજાર રૂપિયા લઇને વિજય દેહરાદૂન એકસપ્રેસ ટ્રેનમાં પરત વતન જઇ રહ્યો હતો. દરમ્યાન વડોદરા નજીક સમલાયા રેલ્વે સ્ટેશન પાસે વિજયની બાજુમાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા લૂંટારૂએ વિજય સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ સમલાયા રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન ધીમી પડતા આ લૂંટારૂએ તેની પાસેથી પાંચ હજાર રૂપિયા લૂંટી લઇ વિજયને ધક્કો મારતા તે નીચે પટકાતા તેનો ડાબો પગ ટ્રેન નીચે આવી જતાં કપાઇ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિજયને જોઇ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તેમજ તેને તાત્કાલીક સારવાર અર્થે તેને સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે વિજયને અમદાવાદ લઇ જવામાં આવી રહ્યો હતો. દરમ્યાન રસ્તામાં જ વિજયનું કરૂણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વડોદરા રેલ્વે પોલીસે અજાણ્યા વ્યકિત સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.