અંકલેશ્વર, તા.૧
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રીને એક પત્ર લખી ટ્રાયબલ પ્રોજેક્ટ હેઠળના પ્રાયોજનના વહીવટદાર કચેરીઓ ખાતે અગ્નિશામકદળની રચના તેમજ ફાયર સેફટીની સુવિધા ઊભી કરવાની માગણી કરી છે. ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પત્રમાં જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં કાચા-પાકા ઝૂંપડામાં રહી વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો ચોમાસુ નજીક આવે, ત્યારે રહેઠાણના ઘરોમાં ઘાસચારો ભરી રાખે છે. યોગ્ય લાઈટ ફિટિંગના અભાવે શોર્ટસર્કિટના કિસ્સાઓ બનતા આવ્યા છે. ટ્રાયબલ પ્રાયોજના દ્વારા ફાયર સેફટી અંગે યુવાનોને તાલીમ પણ આપવામાં આવે છે. આદિવાસી પૂર્વ પટ્ટીમાં ઘર વખડી બડી જવાને કારણે ઉપર આભ અને નીચે ધરતી જેવી દશામાં ગરીબ કુટુંબો મૂકાઈ જાય છે જેથી શોર્ટસર્કિટના કે ઘર બળી જવાના કિસ્સાઓનું પ્રમાણ ઘટે તે માટે ગુજરાતમાં ૧૨ જેટલા પ્રાયોજના કચેરીઓના મુખ્યમથકે અગ્નિશામક દળ તથા ફાયર સેફ્ટીના સાધનો ઊભા કરવા કાર્યવાહી કરવા ખાસ સુચના અને ભલામણ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો હતો.