હિંમતનગર, તા.૩૦
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના વજેપુર ગામમાં આવેલ એક શિક્ષિત ખેડૂતે સજીવ ખેતી અપનાવીને આદુ,હળદર સહિત અન્ય ઔષધિય પાકો સાથે પરંપરાગત બાગાયત અને પ્રાચીન ખેતી કરીને ખેડૂતોને નવો રાધ ચીંધ્યો છે. ગૌમૂત્ર અને છાણીયા ખાતર આધારિત ખેતી દ્વારા મબલખ ઉત્પાદન અને સારો ભાવ મળતા શિક્ષિત ખેડૂતે આ વિસ્તારના ખેડૂતોને આત્મનિર્ભર બનવા માટેની પ્રેરણા પૂરી પાડી છે. વજેપુરના શિક્ષિત ખેડૂતે ઉત્પાદન કરેલ આદુ અને હળદર લેવા માટે વેપારીઓની લાઇન લાગી છે. વેપારીઓ ખેડૂતના ખેતરમાં આવીને સીધો માલ ખરીદવા લાગ્યા છે. જેનાથી ખેડૂતને પણ ફાયદો થવા લાગ્યો છે. આ અંગે પ્રગતિશીલ ખેડૂત મોડીયા પાર્થ દિનેશભાઇએ એક વાતચીતમાં જણાવ્યુ હતું કે એક એકર જમીનમાં સરકારી વિવિધ યોજનાની માહિતી મેળવી સજીવ ખેતી કરવાનું નક્કી કર્યુ હતું. એક એકર જમીનમાં આદુ અને હળદરનું વાવેતર દ્વારા વધુ ઉત્પાદન કેવી રીતે લઇ શકાય તે માટેની માહિતી તેમજ પ્રેકટિકલ અનુભવ સાથે જાણકારી મેળવી હતી. વિજયનગરમાં આવેલી ખેતીની જમીન એ આદુ અને હળદર સહિતના ઔષધિય પાક માટે ખૂબ જ ફાયદાકારક છે. પહેલાના સમયમાં દીવેલા, કપાસ, ઘઉંનું વાવેતર કરીને દવાઓનો છંટકાવ કરવામાં આવતો હતો. જેમાં ઉત્પાદન ખર્ચ વધુ રહેતો હોવાથી ખેડૂતને કોઇ ખાસ મોટો આર્થિક લાભ થતો ન હતો. જેના કારણે પરંપરાગત ખેતી છોડીને સજીવ ખેતી કરવાનું નક્કી કરી મે અને જૂન દરમિયાન આદુ અને હળદરનું વાવેતર કરવામાં આવ્યુ છે. પોતાના ખેતરમાં બિયારણ વાવીને ઉછેર કરવામાં આવતા ખર્ચમાં ઘટાડો થાય છે. બિયારણ બજારમાંથી ખરીદવુ પડતુ નથી અને સારી ગુણવત્તાવાળુ બિયારણનો ઉછેર પોતાની રીતે જ ગૌમૂત્ર અને છાણીયા ખાતરથી કરવામાં આવે છે. ડિસેમ્બરના અંત સુધીમાં આદુ અને હળદરનું ઉત્પાદન શરૂ થાય છે જે માર્ચ સુધી ચાલુ રહે છે. સારી ગુણવત્તાવાળુ આદુ અને હળદર હોવાથી વેપારીઓ સીધા ખેતર સુધી આવીને માલની ખરીદી કરવા લાગ્યા છે.
આ ઉપરાંત પિંડાળુ (અળવી), ચંદન, તડબૂચ અને ઘઉંનું પણ વાવેતર કરવામાં આવ્યુ છે.
Recent Comments