(એજન્સી) નવી દિલ્હી તાઃ૧૯
સુપ્રીમ કોર્ટે શુક્રવારે સ્પષ્ટ કર્યું કે અમારા પૂર્વ આદેશ મુજબ કોવિડ -૧૯ મહામારીના લીધે ફસાયેલ સ્થળાંતર કામદારોને એમના ઘરે ૧૫ દિવસોમાં ફરજિયાત પણે મોકલી આપવું.
સુપ્રીમ કોર્ટની જજ અશોક ભૂષણ, જજ એસ. કે. કૌલ અને જજ એમ. આર. શાહ. ની બેન્ચે જણાવ્યું કે અમારી સ્થળાંતર કામદારો માટેની સુઓ મોટો કેસની સુનાવણી દરમિયાન આ વાત સ્પષ્ટ હતી. શુક્રવારે સુનાવણી શરૂ થતા વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે કોર્ટને માહિતી આપી કે અમોને સ્થળાંતર કામદારો પાસેથી માહિતી મળી છે કે, હજુ પોતાના ઘરે જવા ઈચ્છતા કામદારોની સંખ્યા વધુ છે. એમણે દાવો કર્યો કે સુપ્રીમ કોર્ટના પહેલાના આદેશનું પૂર્ણતઃ અમલ કરાયો નથી.
બેન્ચે સ્પષ્ટ કર્યું કે, ૧૫ દિવસોમાં કામદારોને એમના ઘરે મોકલવાનું ફરજિયાત હતું. જજ શાહે કર્નાટક હાઇકોર્ટના આદેશની નોંધ લીધી જેમાં જણાવવામાં આવ્યું હતું કે ૧૫ દિવસોનો જે સમય ગાળો સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે એ ફરજિયાત નથી. આ અંગે જજ શાહે કહ્યું કે હાઇકોર્ટે આદેશ પસાર કર્યું છે કે, અમારો આદેશ ફરજિયાત નથી. તમે કર્ણાટકને જણાવી દો કે અમારો આદેશ ફરજિયાત છે. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી કે, કેન્દ્ર સરકારે રાજ્યોને જણાવ્યું છે કે, તેઓ કેન્દ્રને જણાવે કે એમણે કામદારોને મોકલવા માટે કેટલી ટ્રેનોની જરૂર છે, કેન્દ્ર માહિતી મળતા ૨૪ કલાકમાં જ ટ્રેનની વ્યવસ્થા કરી આપશે. એમણે કહ્યું કે વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણનને મુંબઈથી ઉત્તરાખંડ માટે ટ્રેનની માંગણી કરી હતી અને એ એમને પૂરી પાડવામાં આવી હતી. શંકર નારાયણને રજૂઆત કરી કે” અમે સ્પષ્ટ કર્યું હતું કે, કેન્દ્ર સરકાર ભાડું ચૂકવશે અને રાજ્યો નહીં ચૂકવશે. અમુક રાજ્યો પાસે નાણા નથી. મેટરની આગામી સુનાવણી જુલાઈના બીજા અઠવાડિયામાં નિર્ધારિત કરાઈ હતી. ગઈ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પાષ્ટ કર્યું હતું કે, સ્થળાંતર કામદારોને ૧૫ દિવસોમાં ફરજિયાત પણે એમના ઘરે મોકલી આપવામાં આવે.