અમદાવાદ,તા. ૭
જો વિદ્યાર્થી આધારકાર્ડ રજૂ ના કરે તો તેનો પ્રવેશ રદ કરી દેવા અને શિક્ષક આધારકાર્ડ રજૂ ના કરી શકે તો શાળાની જ માન્યતા રદ કરી દેવા અંગેના રાજયના શિક્ષણ સત્તાવાળાઓના વિવાદીત પરિપત્રને પડકારતી એક મહત્વની રિટ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. આ કેસની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, રાજયના શિક્ષણવિભાગ દ્વારા તા.૨૮-૧૨-૨૦૧૭ના રોજ એક હુકમ કરી તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આધારનંબર લેવા આદેશ કર્યો હતો. જેને પગલે અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તા.૭-૧-૨૦૧૮ના રોજ એક પરિપત્ર કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફરજિયાતપણે આધારકાર્ડ જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો હતો. એટલું જ નહી, જો વિદ્યાર્થીઓ દ્વારા આધારકાર્ડ જમા ના કરાવાય તો વાલીઓને સૂચના આપવી અને ત્યારબાદ પણ જો આધારકાર્ડ જમા ના થાય તો વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવાની સૂચના આપવામાં આવી હતી. સાથે સાથે શિક્ષકોને પણ આધારકાર્ડ જમા કરાવવા ફરમાન કરવામાં આવ્યું હતું અને જો શિક્ષકો દ્વારા આધારકાર્ડ જમા ના કરાવાય તો શાળાની માન્યતા રદ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આવા વિવાદીત નિર્ણયને પડકારતી નઝર મહંમદ પટેલ દ્વારા કરાયેલી રિટમાં અદાલતનું ધ્યાન દોરાયું છે કે, આધારકાર્ડ આપવુ તે મરજિયાત છે, ફરજિયાત નહી ત્યારે સરકાર તેને ફરજિયાત બનાવી શકે નહી. ખુદ સુપ્રીમકોર્ટે આ મુદ્દે સંબંધિત રાહત આપી છે ત્યારે સરકારના સત્તાવાળાઓનો આવો વિવાદીત નિર્ણય સુપ્રીમકોર્ટના હુકમના ભંગ સમાન છે. અરજદાર પક્ષ તરફથી જો કોઇ વિદ્યાર્થી દ્વારા આધારકાર્ડ રજૂ ના કરાય તેવા કિસ્સામાં તેનું નામ શાળામાંથી કમી કરવામાં ના આવે અને તેને કોઇપણ પ્રકારે હેરાન કરવામાં ના આવે અને સાથે સાથે સત્તાવાળાઓના આ વિવાદીત નિર્ણયને રદબાતલ ઠરાવવા અરજીમાં દાદ માંગવામાં આવી હતી.