વડોદરા, તા.૧૬
પોતાની જ ટોળકીની યુવતીની મદદથી આધેડોને ટાર્ગેટ બનાવી નાણાં પડાવતી ટોળકીએ વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પરથી પસાર થઈ રહેલા આધેડનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત ટોળકીએ આધેડને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા ૧ લાખની માંગણી કરી હોવાનો કિસ્સો પોલીસ મથકમાં છે.
ગોત્રી પોલીસ મથકના પી.આઈ. વી.આર.ખેરે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ ઉપર આવેલા અક્ષર ઉપવન સોસાયટીમાં કિરણભાઈ લલ્લુભાઈ ગઢવી (ઉ.વ.૬૩) રહે છે. મૂળ દ્વારકાના મીઠાપુર ગામના રહેવાસી રવિવારે બપોરના સમયે વાસણા-ભાયલી રોડ પર આવેલા નિલામ્બર સર્કલ પાસેથી પસાર થતા હતા. તે સમયે પૂર્વ આયોજીત યોજના પ્રમાણે રસ્તા ઉપર ઊભેલી યુવતી આધેડ કિરણભાઈ ગઢવીને ઈશારા કરતી હતી. આધેડ કિરણભાઈને જોઈને યુવતીએ ઈશારા શરૂ કરતા જ યુવતીના ૩ સાગરીતો કારમાં ધસી આવ્યા હતા અને તમે છોકરીની મશ્કરી કરો છો ? અમે પોલીસના માણસો છીએ. તેમ કહી યુવતી અને આધેડનું ભર બપોરે કારમાં અપહરણ કરી ગયા હતા. રસ્તામાં કારચાલકે પોતાનુું નામ ચુડાસમા સાહેબ હોવાનું જણાવ્યું હતું. દરમિયાન ટોળકીના બે સાગરીતોએ કિરણભાઈના ખિસ્સામાંથી રૂપિયા ર૦ હજારની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત આધેડને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા એક લાખની માંગણી કરી હતી.
ટોળકીએ આપેલી ધમકીથી ગભરાઈ ગયેલા કિરણભાઈ ગઢવીએ પોતાના પુત્રને ફોન કરી બોલાવ્યો હતો. જો કે, તેમનો પુત્ર આવે તો પહેલાં ટોળકી આધેડ કિરણભાઈ ગઢવીને હેવમોર સર્કલ, જુના પાદરા રોડ પર છોડી ફરાર થઈ ગઈ હતી. દરમિયાન આવી પહોંચેલા પુત્રને લઈ કિરણભાઈ ગઢવી ગોત્રી પોલીસ મથકમાં આવી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે યુવતી સહિત પ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી હોવાનું પી.આઈ.એ વધુમાં જણાવ્યું હતું.