(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
શહેરના પુણા પાટીયા પર આવેલા આઈડીબીઆઈ બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયેલા આધેડ વેપારીને મદદ કરવાના બહાને નજર ચૂકવી ઠગે એટીએમ કાર્ડ બદલી કાઢી રૂા.૮૮ હજાર ઉપરાંત ઉપાડી લઇ છેતરપિંડી કરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત-કામરેજ રોડ પર રંગોલી ચોકડી નજીક નંદની રેસિડેન્સી ખાતે રહેતાં કાનજીભાઈ બાવનજીભાઈ સભાડીયા ગત તા.૧૮મી જાન્યુઆરીના રોજ શહેરના પુણા પાટીયા પર આવેલા આઈડીબીઆઈ બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. ત્યારે એક ઠગ શખ્સે ત્યાં આવી એટીએમમાંથી નાણાં ઉપાડવા મદદ કરવાના બહાને એટીએમનો પાસવર્ડ જાણી લીધો હતો અને બાદમાં એટીએમ કાર્ડ બદલી નાંખી અન્ય કાર્ડ હાથમાં પકડાવી દઈ નાસી છુટ્યો હતો. પરંતુ ત્યારબાદ ઠગ શખ્સે એટીએમ કાર્ડ વડે રોકડા રૂપિયા ઉપાડી તથા અલગ અલગ ખરીદી કરી રૂા.૮૮,૧૪૦ની મત્તાની છેતરપિંડી કરી હતી. કાનજીભાઈને આ અંગે જાણ થતા તેઓએ તુરંત જ બેંક મેનેજરનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેઓએ મેનેજર પાસેથી બેેંક ખાતાનું સ્ટેટમેન્ટ લીધા બાદ પુણા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.એ. સાવલીયાએ છેતરપિંડીની ફરિયાદ નોંધી એટીએમના સીસીટીવી કેમેરાની મદદથી ઠગ શખ્સ સુધી પહોેંચવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.