અમદાવાદ,તા. ૧૯
શહેરના આનંદનગર પોલીસ સ્ટેશન પાસે ચાલી રહેલી કલાઉડ-૯ કન્સ્ટ્રકશન સાઇટ ખાતે આજે સાંજે અચાનક એક ભેખડ ધસી પડતાં ત્યાં કામ કરી રહેલા ત્રણ મજૂરોના દટાઇ જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા. આ ઘટનામાં અન્ય પાંચ મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. ભેખડ ધસી પડવાની આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આનંદનગર પોલીસે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનની પાસે જ કલાઉડ-૯ કન્સ્ટ્રકશન સાઇટ ખાતે બાંધકામનું કામ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું છે. આજે પણ રાબેતામુજબ સાઇટ પર કામ ચાલી રહ્યું હતું ત્યારે પાર્કિંગના એરિયા પાસે કામ કરી રહેલા દસથી વધુ મજૂરો તેમાં જોતરાયેલા હતા એ દરમ્યાન અચાનક માટીની મોટી ભેખડ ધસી પડતાં મજૂરો તેની નીચે દટાઇ ગયા હતા. ભેખડ ધસી પડવાની આ ઘટનામાં દટાઇ જવાના કારણે ત્રણ મજૂરોના તો ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા, જયારે અન્ય પાંચ મજૂરો ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટયા હતા. જો કે, સૌથી ચોંકાવનારી અને આઘાતજનક વાત એ હતી કે, બનાવના ઘણા સમય સુધી ફાયરબ્રિગેડ કે પોલીસ કોઇ ત્યાં ફરકયાં જ ન હતા, તેને લઇને કલાઉડ-૯ના ડેવલપર્સ અને જવાબદારો સામે અનેક સવાલો અને શંકાના વમળો ઉભા થયા હતા. બાદમાં ભારે ઉહાપોહ આનંદનગર પોલીસે સમગ્ર મામલામાં તપાસ આરંભી હતી.