(એજન્સી) તા.૩
ભારત અને ચીન વચ્ચે ગલવાન ખીણ મામલે જારી તણાવ વચ્ચે શુક્રવારે લદ્દાખની લીધેલી ઓચિંતી મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આપણા સૈનિકોની બહાદૂરી અને સાહસ અતુલનીય છે. પડકારજનક સ્થિતિમાં પણ દેશની સેવા કરનારા સૈનિકોની વડાપ્રધાન મોદીએ ભારે પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે શત્રુઓએ આપણા સૈનિકોની ફાયર એન્ડ ફ્યૂરી જોઈ લીધી છે. ૧૧ હજાર ફૂટની ઊંચાઈ સ્થિત નીમૂમાં ટોચના સૈન્ય ઠેકાણે સેના, આઈટીબીપી અને એરફોર્સના જવાનો સાથે મુલાકાત કરી પીએમ મોદીએ તેમનો જુસ્સો વધાર્યો હતો. તેમણે ગલવાન ખીણમાં ૧૫ જૂન ચીનના સૈનિકો સાથેની અથડામણમાં ઘાયલ થયેલા સૈનિકો સાથે પણ મુલાકાત કરી હતી.
વડાપ્રધાને ગલવાન અથડામણનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ભારતીય સેનાએ ત્યાં પરાક્રમની પરાકાષ્ઠા બતાવી. સેનાએ તેની વીરતાથી સમગ્ર દુનિયાને ભારતની તાકાતનો સંદેશ આપ્યો. વડાપ્રધાને ચીનને પણ નામ લીધા વિના ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે વિસ્તારવાદનો યુગ ખતમ થઈ ચૂક્યો છે. આ વિકાસવાદનો યુગ છે. વિકાસવાદ જ ભવિષ્યનો આધાર છે. વિસ્તારવાદની જીદે હંમેશા માનવતા માટે ખતરો પેદા કર્યો. ચીનને ચેતવતાં તેમણે કહ્યું કે ઈતિહાસ સાક્ષી પૂરે છે કે વિસ્તારવાદી તાકાતો કાં તો હારી છે કાં પીછેહઠ કરવા મજબૂર થઈ છે.
સંપૂર્ણ લદ્દાખને ભારતનો અભિન્ન અંગ ગણાવતા તેમણે કહ્યું કે લદ્દાખ દેશનો અરીસું છે. ૧૩૦ ભારતીયોના ગૌરવનું પ્રતીક છે. તેમણે કહ્યું કે લેહ, લદ્દાખથી લઈને કારગિલ અને સિયાચિન સુધી, અહીંના બરફના શિખરોથી લઈને ગલવાન ખીણની ઠંડા પાણીની ધારા પણ. દરેક શિખર, દરેક પર્વત, દરેક કણ-કણ, પથ્થર ભારતીય સૈનિકોના પરાક્રમની સાક્ષી પૂરે છે.