(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ મુદ્દે ચર્ચા કરવા માટે બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સ્િોંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોઇ આપણી સરહદમાં ઘૂસ્યું નથી અને આપણી કોઇ પોસ્ટ બીજા દેશના કબજામાં નથી. લદ્દાખમાં આપણા ૨૦ વીરો શહીદ થયા પરંતુ જેમણે ભારત તરફ આંખ ઉઠાવીને જોયું હતું તેમને તેઓ જડબાતોડ જવાબ આપીને ગયા છે. તેમણે કહ્યું કે, સેનાનો ખડકલો હોય, એક્શન હોય કે પછી પાયદળ-દરિયાઇ અને હવાઇ સેના હોય આપણી સેનાઓએ દેશની સુરક્ષા માટે જે કરવાનું છે તે કરી જ રહી છે. આજે આપણો દેશ એ સ્થિતિમાં છે કે કોઇપણ આપણી જમીન પર આંખ ઉઠાવીને જોઇ શકતું નથી. આજે ભારતની સેનાઓ અલગ-અલગ સેક્ટરોમાં એક સાથે મૂવ કરવામાં પણ સક્ષમ છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણી સશસ્ત્ર સેનાને ખુલ્લા હાથે કામ કરવાની છૂટ અપાઇ છે અને ચીનને રાજદ્વારી રીતે પણ આપણું વલણ સ્પષ્ટ કરી દેવાયું છે. ભારત શાંતિ અને મિત્રતા ઇચ્છે છે પરંતુ તેના સાર્વભૌમત્વની સુરક્ષા પ્રાથમિકતા રહેશે. ચીન મામલે બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં ભાજપ, કોેંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, અન્નાદ્રમુક, દ્રમુક, ટીઆરએસ, જેડીયુ, બીજેડી, એલજેપી, બસપા, શિવસેના અને એનસીપી સહિતના વિવિધ પક્ષોના અધ્યક્ષોએ ભાગ લીધો હતો. કોંગ્રેસ સહિતના વિવિધ પક્ષોએ સરકારને કહ્યું કે, સરહદ પરની સ્થિતિ અંગે સરકારે પારદર્શી રહેવું જોઇએ. આ દરમિયાન કોંગ્રેસના વડા સોનિયા ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને સવાલ કર્યો હતો કે, સરકાર જણાવે કે ચીને ભારતીય સરહદમાં ક્યારે ઘૂસણખોરી કરી હતી. તેમણે કહ્યું કે સરકારે આ બેઠક પહેલા બોલાવવી જોઇતી હતી. ૬ જૂને જાણકારી મળ્યા બાદ તરત જ સીધી સરકારે ચીન સરકાર સાથે આ મામલે વાત કરવી જોઇતી હતી. સાથે જ સોનિયાએ કહ્યું કે, વિપક્ષ સરકારની સાથે છે. પરંતુ સરકાર સમય-સમયે સ્થિતિની જાણકારી વિપક્ષને પણ આપે. આ દરમિયાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, ચીન એક સરમુખત્યાર દેશ છે. તે મનફાવે તેમ કરે છે. ભારત એક લોકશાહી દેશ છે આવા સમયે આપણે બધાએ મળીને ચીન વિરૂદ્ધ લડાઇ લડવી જોઇએ. જ્યારે વાત દેશની આવશે ત્યારે આપણે બધા મળીને લડીશું. મમતાએ કહ્યું કે, ટેલિકોમ, મોબાઇલ તથા એવિએશન સેક્ટરમાં ચીનના રોકાણને બંધ કરવું જોઇએ. દેશને થોડી મુશ્કેલી પડશે જેને આપણે વહેલી તકે યોગ્ય કરી લઇશું. પરંતુ કોઇપણ સ્થિતિમાં ચીનના પ્રોડક્ટ્‌સનો બહિષ્કાર કરવો પડશે. નીતિશ કુમારે જણાવ્યું કે, સમગ્ર દેશને ચીન વિરૂદ્ધ ગુસ્સો છે. અમે બધા એક છીએ. આમાં કોઇપણ રાજકીય પક્ષમાં એકતાનો અભાવ દેખાવો જોઇએ નહીં. ચીનના પ્રોડક્ટ્‌સથી દેશના વાતાવરણ પર પણ માઠી અસર પડી રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મજબૂતી સાથે ઉભા છીએ. અમે અમારી દેશની સેના અને તેના પરિવાર સાથે ઉભા છીએ. ભારત શાંતિ ઇચ્છે છે તેનો અર્થ એ નથી કે, અમે કમજોર છીએ. ચીન હંમેશાથી દગાબાજી કરે છે. ભારત મજબૂત છે, મજબૂર નહીં. એનસીપીના પ્રમુખ શરદ પવારે જણાવ્યું કે, તે વખતે સૈનિકો પાસે હથિયાર હતા કે નહીં તે મામલો આંતરરાષ્ટ્રીય કરાર સાથે જોડાયેલો છે. આપણે આવા ગંભીર મામલાને લઇને સાવચેતી રાખવી જોઇએ.

સરહદ વિવાદ અંગે અમને હજુ પણ અંધારામાં રખાયા : સોનિયા ગાંધી

ગલવાન ખીણમાં ચીનની અવળચંડાઈનો જવાબ આપવા પહેલાં બોલાવવામાં આવેલ સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર સવાલોનો મારો કર્યો હતો. જ્યારે બીજા પક્ષોના લોકોએ વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારના પ્રતિ બિનશરતી સમર્થન અને વિશ્વાસ જાહેર કર્યો. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પરિજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરવા બાદ પોતાની વાત શરૂ કરી. સોનિયા ગાંધીએ કહ્યું કે, જ્યારે પાંચ મેના રોજ લદ્દાખમાં ઘણી જગ્યાઓ પર ચીનની ઘૂસણખોરીની જાણકારીઓ સામે આવી હતી. ત્યારે સરકારને તરત જ સર્વપક્ષીય બેઠક બોલાવી લેવી જોઈતી હતી પરંતુ એવું ન થયું હંમેશની જેમ આખો દેશ એક પહાડની જેમ એક સાથે ઊભો હોત અને સરહદોની અખંડતાની રક્ષા માટે સરકાર દ્વારા ઊઠાવવામાં આવેલા પગલાંઓનું સમર્થન કર્યું હોત. તેમણે કહ્યું કે, આપણે હજી પણ આ વિવાદને લઈ હજી કેટલાક મહત્ત્વના પાસાઓને લઈ અંધારામાં છે. છેવટે ક્યાં દિવસે લદ્દાખમાં ચીને ઘૂસણખોરી કરી ? સરકારને ક્યારે ચીની ઘૂસણખોરીની જાણ થઈ ? શું સરકારને પાંચ મેના રોજ ચીની ઘૂસણખોરીની જાણકારી મળી કે એના પહેલાં જ મળી હતી ? સર્વપક્ષીય બેઠકમાં સોનિયા ગાંધીએ પૂછ્યું કે, શું સરકારને નિયમિત રીતે આપણા દેશની સેટેલાઈટ ફોટાઓ નથી મળી રહ્યા ? શું આપણી ગુપ્તચર એજન્સીઓએ એલએસીની આજુબાજુની અસામાન્ય ગતિવિધિઓની જાણકારી ન આપી ? શું આપણી ગુપ્તચર એજન્સીઓએ એલએસી પર ચીની સેનાની હાજરી વિશે એલર્ટ ન કર્યું ? શું સરકાર આને ગુપ્તચર એજન્સીની નિષ્ફળતા માને છે ? જો આપણે પહેલાં પગલાં લીધા હોત તો આપણા ૨૦ બહાદૂર જવાનો શહીદ થયા ન હોત. સરકારે તમામ ઘટનાક્રમની જાણકારી વિપક્ષને પણ આપવી જોઈએ ત્યારે જ આપણે દુનિયા સામે દેશની એકજૂટતા દેખાડી શકીશું.