(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
કઠુઆ અને ઉન્નાવ રેપ મામલે દેશની જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સડકથી લઈને સોશિયલ મીડિયા સુધી ગેંગરેપને લઈને લોકોમાં જુવાળ છે ત્યારે ૪૯ પૂર્વ આઈએએસ અધિકારીઓએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં ૪૯ સેવાનિવૃત્ત સિવિલ સેવા અધિકારીઓના સમૂહે દેશના અસ્તિત્વના સંકટનો સમય ચાલી રહ્યો હોવાનું જણાવીને સરકાર બંધારણીય મૂલ્યો, સુશાસન અને નૈતિક આદેશો નિભાવવામાં જવાબદાર ઠેરવવામાં આવી હતી. પત્રમાં સખત શબ્દોમાં કટ્ટરપંથી રાજનીતિ અને સંઘ પરિવાર પર આરોપ મૂકતા લખ્યું છે કે બહુમતી સમુદાયની માન્યતાઓ અને આક્રોશને સંઘ પરિવાર દ્વારા ઉશ્કેરણી કરવામાં આવી જેના પરિણામ સ્વરૂપ કઠુઆ અને ઉન્નાવમાં આ બનાવ બન્યા. ૪૯ પૂર્વ અધિકારીઓએ જણાવ્યું કે સરકાર પોતાની જવાબદારી નિભાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. ખાસ કરીને લઘુમતીઓને તેમના જીવન સ્વાયત્તતા માટે કોઈનાથી ડરવાની જરૂર નથી. એવી બાહેંધરી આપવામાં સરકાર નિષ્ફળ રહી છે.
આ પત્રમાં પૂર્વ અધિકારીઓએ જણાવ્યું કે કઠુુઆમાં ૮ વર્ષીય કિશોરીની બર્બરતાપૂર્વક રેપ અને હત્યા એ આપણી નિષ્ફળતા દર્શાવે છે. સ્વતંત્ર ભારતમાં આ સૌથી અંધકારમય સમય છે. કેન્દ્ર સરકાર અને રાજનૈતિક પાર્ટીઓ આનો ઉકેલ લાવવામાં નિષ્ફળ પૂરવાર થઈ છે. ચિઠ્ઠીમાં એમ પણ લખ્યું છે કે નાગરિક સેવાઓ સાથે જોડાયેલા યુવા સાથીઓ પણ પોતાની ફરજ નિભાવવામાં વિફળ રહ્યા. પૂર્વ સિવિલ અધિકારીએ વડાપ્રધાન મોદી પર આરોપ મૂક્યો કે કઠુઆ અને ઉન્નાવમાં બનેલ બંને ઘટનાઓ તમારા સત્તાસ્થાને બની છે. તમે બંને ઘટનાઓને વખોડી પરંતુ આ હિચકારા કૃત્ય પાછળ કોમી ભાવનાની ઝાટકણી કાઢી નથી કે ન તો આ પરિસ્થિતિને નિવારવા સામાજિક, રાજનૈતિક અથવા વહીવટી સંકલ્પ દેખાડ્યો નથી જેના નેતૃત્વ હેઠળ આ કોમી હિંસાઓ ભડકી હતી.
પૂર્વ અધિકારીઓએ વડાપ્રધાન મોદીને કઠુઆ-ઉન્નાવ પીડિતના પરિવારોની માફી માંગવાની માગણી કરી હતી આ ૪૯ પૂર્વ અધિકારીઓમાં ચંદ્રશેખર બાલક્રિશ્નન, મીરા બોરવાંકર, જુલીઓ રીબેરો, નારેશ્વર દયાલ, કેપી ફેબિયનનો સમાવેશ થાય છે.