(એજન્સી) તા.ર૩
આમ આદમી પાર્ટી છોડી જવાના આશુતોષના સ્ટંટ બાદ આપના વધુ એક મહત્વપૂર્ણ કાર્યકારી આશિષ ખેતાન હવે આપ છોડી જવાની તૈયારીમાં દેખાયા છે. જેના કારણે તેમના સહયોગીઓ અચરજ પામી ગયા છે. એક અહેવાલ જેમાં જણાવાયું કે આશિષ ખેતાન પણ હવે આશુતોષના પગલે ચાલીને આમ આદમી પાર્ટીને છોડીને જઇ રહ્યાં છે તેના પર પ્રતિક્રિયા આપતાં આશિષ ખેતાને ટિ્‌વટ કરીને ખુલાસો કર્યો હતો કે હું મારી લીગલ પ્રેક્ટિસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું અને સક્રિય રાજકારણમાં હાલ સામેલ થવાનો મારો કોઇ ઈરાદો નથી. તમામ અફવા છે. જ્યારે એક પત્રકાર દ્વારા ટિ્‌વટ કરવામાં આવી કે આશિષ ખેતાન પાર્ટી છોડી રહ્યાં છે તો તેના પર ખેતાને આ ટિ્‌વટ કરીને જવાબ આપ્યો હતો. ખેતાને લખ્યું કે મેં એપ્રિલમાં ડીડીસીમાંથી રાજીનામું આપી દીધું હતું અને પછી જ લીગલ પ્રોફેશનમાં જોડાયો હતો. હું અફવાઓ વિશે કંઇ જ કહેવા માગતો નથી અને મને તેમાં કોઇ રસ પણ નથી. જોકે આશુતોષના રાજીનામા પર પ્રતિક્રિયા આપતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમારી પાર્ટી તેમનું રાજીનામું સ્વીકારે તેવો કોઇ સવાલ જ નથી. જોકે કેટલાક પંડિતો કહી રહ્યાં છે કે આશુતોષે એટલા માટે આપ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું કેમ કે તેમને આપ પાર્ટીએ રાજ્યસભા મોકલ્યા ન હતા. આપ સાથે જોડાતા પહેલા આશુતોષ અને આશિષ ખેતાન બંને પત્રકાર રહી ચૂક્યા છે. ખેતાન એક પૂર્વ ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર રહી ચૂક્યા છે અને તેમણે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તેઓ નવી દિલ્હીમાં એક વકીલ તરીકે પોતાની નવી કારકિર્દી શરુ કરવા જઈ રહ્યાં છે. જોકે આ તમામ ઘટનાઓ બાદ બુધવારે ખેતાને ફેસબુક પર આ મામલે એક સંપૂર્ણ નિવેદન જાહેર કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે પાર્ટીમાંથી ખસવાનો અને રાજકારણથી દૂર થવાનો મારો અંગત નિર્ણય છે. તેની સાથે આપ પાર્ટીને કોઇ લેવા દેવા નથી. મને પાર્ટી તરફથી ઘણો પ્રેમ મળ્યો. હું આપનો આભારી રહીશ.