(એજન્સી) તા.૨૨
ટેક્સી ડ્રાઇવર આફતાબ આલમના લિંચીંગના સંદર્ભમાં કાર્યવાહી કરવાની માગણી કરતો ટ્‌વીટર પર હેશટેગ શરૂ થયો છે. ઉ.પ્ર.ના નોઇડામાં કેટલાક હિંદુ કટ્ટરવાદીઓએ આફતાબ આલમને જય શ્રીરામનો નારો બોલવા માટે જણાવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. હિંસક હિંદુવાદી કાર્યવાહીમાં જયશ્રીરામના નારાનું ઉચ્ચારણ મહત્વનો મુદ્દો બની ગયો હતો અને અનેક હત્યાઓ પૂર્વે આ મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. આફતાબના પુત્ર મોહમ્મદ શબ્બીરે જણાવ્યું હતું કે છેલ્લા દોઢ મહિનામાં પોલીસ કોઇની પણ ધરપકડ કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલ વીડિયોમાં આવું જણાવ્યું હતું.
શબ્બીરે પોતાના પિતા માટે ન્યાય મેળવવા હાથ ધરવામાં આવેલ સોશિયલ મીડિયા અભિયાનને સમર્થન આપવા અનુરોધ કર્યો હતો. અગાઉ શબ્બીરે જણાવ્યું હતું કે કેટલાક ગુંડાઓ દ્વારા જ્યારે તેમના પિતા પર હુમલો કરવામાં આવી રહ્યો હતો ત્યારે તેમના પિતા તરફથી તેમને ફોન કોલ આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમના પિતા બોલી શકે એવી સ્થિતિમાં ન હતાં પરંતુ કેટલાક શખ્સો તેમની સાથે ગેરવર્તણૂંક કરી રહ્યાં હોવાનું સંભળાતું હતું. શબીરને સામે છેડે કેટલાક દારૂડિયા શખ્સો તેના પિતાને દારૂ પીશે કે કેમ તે પૂછતાં હતાં અને આફતાબ આલમે ના પાડી હતી. થોડા સમય બાદ શબીરને એક શખ્સનો એવું કહેતો અવાજ સંભળાયો હતો કે તેણે (આફતાબ આલમે) શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું. પાછળથી બાદલપુર પોલીસ સ્ટેશનમાં તેના પિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે બાદલપુર રેલવે સ્ટેશનના અધિકારીએ આ ઘટના મોબ લિંચિંગ કે હેટક્રાઇમની હોવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે આ કેસની તપાસ ચાલી રહી છે.