(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૦
રાજ્યમાં અગાઉ ૧૫૮૯ ગામોમાં દલિત પરિવારો સાથે આભડછેટનો મુદ્દો બહાર આવતા અને તેમાં સેપ્ટ દ્વારા અહેવાલ તૈયાર કરી એપ્રિલ, ર૦૧૩માં સરકારને સુપરત કરાયો હતો, તે અહેવાલ ઉપર સરકારે ચારથી પાંચ વર્ષના લાંબા સમયગાળા બાદ પગલાં લેવાની કામગીરી શરૂ કરી હતી. સરકારના આ ઉદાસીન વલણને લઈ ર૦૧પ તથા ર૦૧૬માં આભડછેટના વધુ બે બનાવો બનવા પામ્યા હતા, જે અંગે પોલીસ ફરિયાદ પણ થઈ હોવાની વિગતો સરકારી રેકર્ડ પરથી જ બહાર આવતા સરકારની કામગીરી સામે પ્રશ્નો ઊભા થવા પામ્યા છે. આભડછેટના મુદ્દે અગાઉ બહુ લાંબી લડત ચાલી હતી અને તે લગભગ દેશભરમાંથી નાબૂદ થવા માંડ્યો હતો, ત્યારે રાજ્યના ૧૫૮૯ ગામોમાં દલિત પરિવારો સાથે આભટછેડની વાત બહાર આવતા ઉહાપોહ બાદ સેપ્ટ સંસ્થા દ્વારા તે અંગે એક અહેવાલ તૈયાર કરી એપ્રિલ ર૦૧૩માં સરકારને સુપરત કરવામાં આવ્યો હોવાનું ખુદ સરકારના મંત્રીએ વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે. સરકારના જ જવાબ પરથી સરકારની આ મુદ્દે ઉદાસિનતા છતી થાય છે. આ અહેવાલની ભલામણો અંગે પગલાં લેવા સરકાર દ્વારા છેક માર્ચ ર૦૧૭માં વિભાગને માત્ર પત્ર પાઠવાયો હતો, તે પછી ફરી ૧ વર્ષ બાદ ફેબ્રુઆરી ર૦૧૮માં સંબંધિત વિભાગોને કાર્યવાહી કરવા સરકારે પત્ર પાઠવ્યો હતો, તે પછી ફરી ૧ વર્ષે એટલે માર્ચ ર૦૧૯માં ત્રીજો પત્ર પાઠવાયો હતો. આમ, અહેવાલ મળ્યાના ચારથી પાંચ વર્ષના લાંબા સમયગાળા બાદ સરકારે આ પ્રકારની કાર્યવાહીથી સંતોષ માન્યો હતો. વિભાગોએ પગલાં લીધા કે કેમ એ પણ પ્રશ્ન છે. દરમિયાન રાજ્યમાં આભડછેટની ઘટનાઓ જારી રહેવા પામી હતી. ર૦૧પમાં સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના દેઘરોટા ગામે ફરી દલિત સામે આવો બનાવ બનતા પોલીસ ફરિયાદ થઈ હતી, તે પછી ર૦૧૬માં ગાંધીનગરના પેથાપુરના નવા પીપળજ ગામે પણ આ પ્રકારનો બનાવ બનતા ફરિયાદ નોંધાઈ હતી. આ બંને કેસ હાલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ હોવાનું સરકાર તરફથી જવાબમાં જણાવાયું છે. આમ, સ્પષ્ટ થાય છે કે, રાજ્યમાંથી આભડછેટ સંપૂર્ણ દૂર થઈ નથી અને છૂટાછવાયા બનાવો બનતા રહે છે. આ તો પોલીસ ચોપડે નોંધાયો તેની વાત છે, જે ચોપડે નોંધાતા નથી તેવા બનાવો તો અન્ય વધુ હોઈ શકે છે.