અમદાવાદ, તા.૭
ગુજરાત રાજ્યમાં દલિતો સાથે રખાતી આભડછેટ અને તેના પર સેપ્ટ યુનિવર્સિટી દ્વારા અપાયેલ અહેવાલ જાહેર કરવા મુદ્દે વિધાનસભામાં ચમક્યો હતો. ત્યારે મુખ્યમંત્રીએ કોઈપણ પ્રકારની આભડછેટ ચલાવી લેવાશે નહીં તેવું નિવેદન આપ્યું હતું આ નિવેદનને નવસર્જન સંસ્થાના માર્ટિન મેકવાને દલિત સમાજને ગેરમાર્ગે દોરનારું અને લોલીપોપ સમાન ગણાવ્યું છે. જ્યારે આભડછેટ મામલે સરકાર ગંભીરતા નહીં દાખવે તો આગામી સમયમાં હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ચીમકી ઉચ્ચારી છે. તા.રર/૧૦/ર૦૧૦નો પત્ર નવસર્જન ટ્રસ્ટ દ્વારા આભડછેટની ભાળ પુસ્તિકા અન્વયે સેપ્ટ અમદાવાદ દ્વારા અભ્યાસ અહેવાલ રજૂ કરવા અંગેનો પરિપત્ર નાયબ સચિવ-સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા ઠરાવ કરવામાં આવ્યો અને સેપ્ટને ર૮ લાખનું ચૂકવણું કર્યું હોવા છતાં આભડછેટ ઠેરની ઠેર છે. સેપ્ટનો અભ્યાસ અહેવાલ સરકારને ૧૭-૦૪-ર૦૧૩ના રોજ મળ્યો. આ રિપોર્ટ નવસર્જન સંસ્થાના સર્વે અહેવાલ બાદ સરકાર દ્વારા કરવામાં આવેલ હોવા છતાં તે અંગેની કોઈ જ માહિતી ન મળતાં માહિતી અધિકાર હેઠળ સેપ્ટના રિપોર્ટની નકલ માંગવામાં આવી હતી. તા.૦૪/૦૬/ર૦૧૩ના રોજ ગુજરાત માહિતી આયોગના મુખ્ય કમિશનર બળવંતસિંહ દ્વારા કરાયેલ હુકમથી સેપ્ટનો અહેવાલ કિરીટ રાઠોડ (કાર્યકર-નવસર્જન સંસ્થા)ને મળ્યો હતો. ત્યારબાદ સેપ્ટના રિપોર્ટમાં ફક્ત પાંચ ગામોનું સર્વે હોવાથી નવસર્જન સંસ્થા દ્વારા તે પાંચ ગામોનું રી સર્વે પણ કરવામાં આવ્યું અને તેનો અહેવાલ સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને મોકલવામાં આવેલ પણ તે પાંચ ગામોમાં પણ સરકાર આભડછેટ દૂર કરી શકી નથી. અને બીજી બાજુ વિજય રૂપાણી મુખ્યમંત્રીએ ગૃહમાં નિવેદન આપ્યું કે કોઈપણ પ્રકારની આભડછેટ ચલાવી લેવાશે નહીં. આ નિવેદન દલિત સમાજને ગેરમાર્ગે દોરનારું અને લોલીપોપ છે. ગઈકાલે વિધાનસભામાં પ્રવિણ મારું (ધારાસભ્ય – ગઢડા) દ્વારા પૂછવામાં આવેલ સવાલના જવાબમાં સરકાર દ્વારા જવાબ મળ્યો કે સેપ્ટના અહેવાલ પછી રર-૦૩-ર૦૧૭થી સંબંધિત વિભાગો/કચેરીને ભલામણો પ્રવત્વે કાર્યવાહી કરવા જણાવાયું હતું. સૂચના આપ્યાને એક વર્ષનો સમય વીતી ગયો પણ સરકારની સૂચનાનો કોઈપણ ગામોમાં અમલ કરવામાં આવ્યો હોઈ તે જણાતું નથી. છેલ્લા એક વર્ષમાં દલિત સમાજના આભડછેટના મુદ્દે અનેક ફરિયાદ જેવી કે મંદિર પ્રવેશ પ્રતિબંધ, વાળંદ દ્વારા વાળ ન કાપવા, મૂછ રાખવા ઉપર પ્રતિબંધ, પીવાના પાણી મેળવવામાં ભેદભાવ, લગ્ન પ્રસંગે સાફો પહેરવા ઉપર પ્રતિબંધ, સ્મશાનમાં દફનવિધિ સમયે પ્રતિબંધ વગેરે અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાયેલ છે. આ બાબતે સરકાર ગંંભીરતા નહીં દાખવે તો સમગ્ર હકીકતને આધારે આગામી સમયમાં હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવશે. એમ માર્ટિન મેકવાન અને કિરીટ રાઠોડે ચીમકી ઉચ્ચારી છે. તેમજ દલિતોના અધિકાર માટે કામ કરતી સંસ્થાને રાષ્ટ્રવિરોધી ગણાવનાર મુખ્યમંત્રી પુરાવા રજૂ કરે તેવી માંગ કરી છે.