(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
છેલ્લા ત્રણ વર્ષથી સ્થાનિક લોકો હાઈવે પર થતા અકસ્માતોને લઈને હાઈવે ઓથોરીટી સહિતના સરકારી અધિકારીઓને લેખિતમાં વારંવારની રજૂઆતો કરી છતાં અધિકારીઓ દ્વારા કોઇ પણ કાર્યવાહી ન કરવામાં આવતા ગુરુવારના રોજ વધુ એક યુવકે જીવ ગુમાવ્યો હતો. નવાઈની વાત એ છે કે યુવકના મોત બાદ સ્થાનિકોએ હાઈવે જામ કરી દેતા તાબડતોબ હાઈવે ઓથોરિટીએ સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી શરૂ કરવી પડી હોવાનું જાણવા મળે છે.
આભવા ગામે માસીના ઘરેથી ગુરુવારે બપોરે નીકળી બુડિયાગામે ઘરે જતા ૩૫ વર્ષીય સંદીપ રમેશ પટેલને આભવા ચોકડી પાસે સામેથી તીવ્ર ગતિએ આવતા કન્ટેનરના ચાલકે બાઈકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું. અકસ્માત બાદ કન્ટેનરનો ચાલક ભાગવા જતા સ્થાનિકોએ તેને પકડીને બરાબરની ઘોલાઈ કરી ડુમસ પોલીસને હવાલે કરી દીધો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકો વિફર્યા હતા. સ્થાનિકો છેલ્લા ૩ વર્ષથી ઓવરબ્રિજ અને સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરતા હતા છતાં સરકારી તંત્રએ આ વાતને ગંભીરતાથી ન લીધી હતી. જેના કારણે આવા અકસ્માતોને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહયા છે.ગુરૂવારે બનેલી આ ઘટનાને કારણે સ્થાનિકો વિફર્યા અને હાઈવેના બંને તરફના છેડા પર બેસી ગયા હતા. બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો. આ ઘટનાને કારણે શહેર પોલીસના એસીપી, પીઆઈ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે ત્યાં આવી સ્થાનિકોને સમજાવ્યા હતા. છતાં લોકોની એક જ માંગ હતી કે અહીં સ્પીડ બ્રેકરની કામગીરી કરે તો જ અહીં લોકો જશે. આખરે હાઈવે ઓથોરિટીએ તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી શરૂ કરી હતી. તેમજ ખજોદ, દિપલી, બુડિયા અને ગભેણી ચોકડી પર સ્પીડ બ્રેકરની કામગીરી શરૂ કરી હતી.