વાઈલ્ડ લાઈફ વોર્ડનના સભ્યએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો
આમિરખાનના રૂટ પર ૧૩ જેટલા સિંહ, સિંહણને રાખવા રેડિયો કોલરથી બંદીવાન બનાવ્યાનો આક્ષેપ

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૯
બોલિવૂડના જાણીતા ફિલ્મ અભિનેતા આમિરખાને હાલમાં જ તેના પરિવાર સાથે સાસણગીરની ત્રણ દિવસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વનવિભાગે ગેરકાયદે સિંહ-સિંહણો રસ્તા પર મૂક્યા હતા અને કલાકો સુધી વન્ય પ્રાણીઓને બંદી બનાવી દર્શન કરાવ્યા હોવાનો આરોપ લગાવી અભિનેતા તેમજ વનવિભાગના અધિકારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
બોલિવૂડ અભિનેતા આમિરખાન અને તેમના પત્ની કિરણ રાવ સહિત પરિવારના સભ્યોએ હાલમાં જ ગીરની મુલાકાત લઈ સિંહ દર્શન કર્યા છે, ત્યારે પોરબંદર જિલ્લા વાઈલ્ડ લાઈફ વોર્ડનના સભ્ય ભાનું ઓડેદરાએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથને પત્ર લખી માંગ કરી છે કે, આમિરખાન અને તેમના પરિવારે જંગલના અમુક પ્રતિબંધિત વિસ્તારમાં જઈ સિંહ દર્શન કર્યા બાબતે સુઓમોટો અરજી લેવા રજૂઆત કરી હતી.
ભાનું ઓડેદરા તરફે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, આમિરખાનના રૂટ પર ૧૩ જેટલા સિંહ, સિંહણને રાખવા માટે રેડિયો કોલરથી તેમને બંદીવાન બનાવવામાં આવ્યા હતા. સાસણગીરમાં મોટી સંખ્યામાં સેલિબ્રિટી આવતા હોવાથી સિંહોને આવી રીતે હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ન્યાયાધીશ, જિલ્લા પોલીસ વડા અને રાજનેતાઓ સહિતના વ્યક્તિઓના સ્વાગતમાં તંત્ર રહે છે અને તેનાથી વન્યસૃષ્ટિને નુકસાન થાય છે. આ મુદ્દે સુઓમોટો અરજી લેવાની માંગ કરી હતી. પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આમિરખાન અને તેની સાથે ૫૦ જેટલા લોકોએ સવારથી સાંજ સુધી જંગલની અંદર અમુક પ્રતિબંધિત વિસ્તારમાં જઈ સિંહ દર્શન કર્યું છે અને આ માટે સિંહ, સિંહણને બંદીવાન બનાવમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.