(સંવાદદાતા દ્વારા)  ભરૂચ, તા.૬
આમોદ નગરના વોર્ડ અને સીમાંકન રચનાની અંદર રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર તથા ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા ગત ૨૦૧૬ના વર્ષમાં આમોદ પાલિકાની સીમાંકન રચના કરવામાં આવી હતી. જેમાં ચોક્કસ વિસ્તારો અને વસ્તીને ધ્યાનમાં રાખીને વોર્ડ રચના માટે બ્લોક બનાવવામાં આવ્યા હતા અને તે બ્લોકમાં વિસ્તારોના આધારે જે તે વિસ્તારનો સમાવેશ થયો હતો.તે સેન્સર બ્લોક અને વિસ્તારોની રાજ્ય ચૂંટણી આયોગે જે તે વોર્ડની ચતુર્થ દિશામાં હદનું વર્ણન કરી નક્કી કરવામાં આવ્યું હતું. જેને રાજ્ય ચૂંટણી આયોગ અને જિલ્લા કલેકટરે મંજુર કરી આખરી આદેશ આપવમાં આવ્યો હતો.
ત્યારબાદ હાલની ચૂંટણી માટે તા.૧૫/૧૨/૨૦૨૦ની સૂચિમાં દર્શાવ્યા મુજબ આમોદ નગરપાલિકાની વોર્ડ રચના અને સીમાંકન પ્રમાણે ચૂંટણી કરવાની હોય છે. આમોદ પાલિકામાં વોર્ડ નંબર-૬માં નિયમો મુજબ બ્લોક નંબર ૨૧,૨૫,૨૬ અને ૨૭નો સમાવેશ થાય છે. જે વોર્ડમાં અન્ય વોર્ડ નંબર પાંચના બ્લોક નંબર ૨૦ અને ૨૩ના સ્ટેશન રોડ હાઇવે તથા સ્ટેશન રોડના મતદારોને ગેરરીતિ આચારીને વોર્ડ નંબર છ માં ઉમેરી દઈ દલિત અને પછાત વોટની બહુમતી ધરાવતા વિસ્તારમાં અન્ય વોટ ઉમેરી દઈ રાજકીય રીતે ખતમ કરવાનું આયોજન થતા આમોદ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના માજી અધ્યક્ષ અને હાલના ભારતીય ટ્રાયબલ પાર્ટીના આમોદ શહેરના મંત્રી ત્રિભોવન સોલંકી અને આમોદ તાલુકા ભીલીસ્થાન ટાઇગર સેનાના પ્રમુખ અકબર સમશેરખાન બેલીમે તેમજ હોદ્દેદારોએ રાજ્ય ચૂંટણી આયોગ તરફથી પ્રસિદ્ધ થયેલી પ્રાથમિક પ્રસિધ્ધિમાં અનુક્રમ નંબર ૩૭૭ થી ૪૬૨ સુધીના ૮૫ મત વોર્ડ સીમાંકન અને હદ વર્ણનની વિરૂદ્ધમાં નાખતા વાંધો ઉઠાવી મતદાર યાદી સાથે થયેલા ગંભીર છબરડાને સુધારી આખરી પ્રસિદ્ધિ કરવાની માંગ કરી છે.