આમોદ, તા.૨૨
આમોદ શહેરના મલ્લા તલાવડીથી આમોદ જી.ઇ.બી સુધીનો રસ્તો ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે જેને લઈને આમોદ નગર વેપારી એસોસિએશન દ્વારા આમોદ મામલતદાર અને જિલ્લા પંચાયતને અરજી કરવામાં આવી હતી.
આમોદના મલ્લા તલાવડી પાસે કબ્રસ્તાનથી લઈને આમોદ જી.ઈ.બી સુધીનો રોડ ખૂબ જ ખખડધજ હાલતમાં છે જે ને લઈને નગર વેપારી એસોસિએશનમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કરજણ તરફથી આવતા વાહનો મોટા ભાગે ત્યાંથી પસાર થઈ રહ્યા છે આમોદ કોર્ડ પાસે નાળું તૂટી જતા વાહનો પાછળના રસ્તે થઈને આમોદ ગામમાં આવતા હોય છે અને તે રસ્તા પર મસ મોટા ખાડા જોવા મળી રહ્યા છે જો વહેલી તકે સમારકામ કરવામાં નહીં આવે તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોન્ટ્રાકટર દ્વારા પાંચ વર્ષની ગેરેન્ટી આપવામાં આવી છે તો શું ગેરેન્ટી બોલવા પૂરતી હતી કે મજાકમાં ગેરેન્ટી આપી તે ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.