અમદાવાદ, તા.૩
ગુજરાતમાં વિરોધ પક્ષ કોંગ્રેસ સત્તાધારી પક્ષનાં નાના ભાઈની ભૂમિકા ભજવી રહી છે ત્યારે શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં આઠ નિર્દોષ દર્દીઓ હોસ્પિટલની બેદરકારીને કારણે આગમાં મૃત્યુ પામ્યા અને રાજ્ય સરકાર યેનકેન પ્રકારે આરોપીઓને છાવરવા પ્રયત્ન કરી રહી છે ત્યારે દિલ્હીના મુખ્ય મંત્રી અને આઈ.આઈ.ટી. ગ્રેજ્યુએટ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ અમદાવાદ ખાતે બનેલ ઘટના અંગે લોકમત મેળવવા અને સરકારની ‘આરોપી ફ્રેન્ડલી’ નીતિઓને ઉઘાડી પાડવા શ્રેય હોસ્પિટલ તેમજ સુરતની તકશશીલા આર્કેડ અગ્નિકાંડ અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.
આપના સક્રિય કાર્યકર્તા મનીષ શાહે જણાવ્યું કે, કોર્પોરેશન અને ફાયર બ્રિગેડમાં ખૂબ જ ભ્રષ્ટાચાર હોવાને કારણે નિર્દોષ લોકોનાં પ્રાણ લેવાઈ જાય છે અને તેમાં સરકાર પણ ભાગીદાર છે માટે ભ્રષ્ટાચાર વધતું જાય છે. તેમણે કહ્યું કે, ફાયર એન.ઓ.સી આપતી વખતે ફાયર વિભાગની જવાબદારી હોય છે કે તે વખતે તમામ પાસા તપાસ્યા બાદજ એન.ઓ.સી. અપાય છે. પરંતુ એન.ઓ.સી. અપાયા બાદ જ્યારે શોર્ટ સર્કિટને કારણે જ્યારે નિર્દોષ નાગરિક આગમાં બળતું થઈ જાય ત્યારે એન.ઓ.સી. આપનાર ફાયર ડીપાર્ટમેન્ટ તેમજ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓને આરોપી બનાવી તેમની સામે પણ કાર્યવાહી કરવી પડે છે. પરંતુ રાજ્ય સરકાર દેખીતી રીતે આરોપીઓને મદદ કરવા પ્રયાસ કરતી હોવાનું દેખાઈ આવે ગ્ન શ્રેય હોસ્પિટલમાં પોતાનાભાઈ આરીફ મન્સુરીને ગુમાવનાર સમીર મન્સુરીએ કહ્યું કે, શ્રેય હોસ્પિટલમાં અને સુરતની તક્ષશીલા આર્કેડ અગ્નિકાંડ શોર્ટ સર્કિટને કારણે થયેલ પરંતુ તક્ષશીલા આર્કેડના બનાવમાં કોઈ રાજકીય કરોડપતિ સંડોવાયેલ ન હોવાને કારણે પોલીસે ઈ.પી.કો. કલમ ૩૦૪ હેઠળ એફ.આઈ.આર નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી અને આજે કેટલાય આરોપીઓ જેલમાં છે જ્યારે શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મૂળ કોંગ્રેસના માજીમંત્રી અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને માધવસિંહ સોલંકીનો જમણો હાથ મનાતા મહંત વિજયદાસજીના પુત્ર ભારત મહંત વિજયદાસજી ૨૦૧૯ સુધી કોંગ્રેસમાં હતા અને ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયા છે માટે આજે સત્તાધારી ભાજપ તેમજ કોંગ્રેસ આરોપીને ‘બચાવવા’ પ્રયત્ન કરે છે. કોંગ્રેસ આ ગંભીર ઘટનાને ‘ઇગ્નોર ‘ કરે છે કારણકે હાલ કોંગી નેતા અમિત ચાવડા છે અને પોરબંદરના અર્જુન મોઢવાડિયા પણ પોતાનું મતવિસ્તાર જાળવી રાખવા પોરબંદરના મહંત વિજયદાસજીને સાચાવવા માગે છે !
માટે જ શ્રેય અગ્નિકાંડમાં આરોપીને બચાવવા સરકારે સીધે સીધી ઈ.પી.કો. કલમ ૩૦૪ની ફરિયાદ કરવાને બદલે પોતાની ઓફિસમાં નોકરી કરનાર એડીશનલ સેક્રેટરી સંગીતા સિંગને ત્રણ દિવસ તપાસ કરી રિપોર્ટ આપવા કહ્યું, જે દેખીતી રીતે સરકારનાં કહ્યા પ્રમાણેજ હોય અને આ સેક્રેટરીએ ફક્ત નજીવી બેદરકારીનો બનાવ દેખાડી ત્યારે પોલીસે ઈ.પી.કો. કલમ ૩૦૪-એ મુજબનો જામીન લાયક ગુનો દાખલ કર્યો હતો અને આરોપીઓને જાણે “રેડ કાર્પેટ ટ્રીટમેન્ટ” અપાતી હોય તેમ પોલીસે સામેથી જામીન લઇ મુક્ત કરી દીધા ! આનાથી ઊંધું સુરતનાં તક્ષશીલા આર્કેડ અગ્નિકાંડમાં પણ શોર્ટ સર્કિટથી આગ લાગેલ પરંતુ સુરત મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ, સુરત ફાયર બ્રિગેડ અધિકારીઓ તેમજ તકશશીલા આર્કેડનાં સંચાલકોને મહિનાઓ સુધી જેલમાં રાખ્યું હતું. તેમજ કેટલાક આરોપીઓ તો આજે ૧૬ મહિના બાદ પણ જેલમાં છે. વધુમાં તક્ષશીલા આર્કેડ અગ્નિકાંડમાં ગુજરાત સરકારે એક પણ તપાસ કમિશનની નિમણૂંક કરી ન હતી. જ્યારે શ્રેય હોસ્પિટલ કેસમાં સરકારે નિવૃત હાઈકોર્ટ જસ્ટિસ કે.એ. પૂજનું કમિશન નીમી નાખ્યું કે, જેથી નજીવા જામીન લાયક ગુનાની લૂલી ફરિયાદમાય આરોપીઓ નિર્દોષ છૂટી જાય.
સુરતથી આવેલ જયસુખલાલ ગજેરા તેમજ દિનેશ કેવડિયાએ કહ્યું કે, તેમણે પોતાની દીકરીઓ ખોઈ નાંખી છે જે પાછી આવવાની નથી પરંતુ ફરીથી કોઈએ પોતાના સ્વજનોને ગુમાવવા ન પડે તે માટે તેઓ ન્યાય મેળવવા લડત આપી રહ્યા છે.
ફાયર વિભાગના નિવૃત્ત અધિકારી બળદેવ પટેલે કહ્યું કે, સૈનિક કે, પોલીસ પોતાની ફરજ બજાવતા પોતાનું પ્રાણ ખોઈ બેસે છે તો તેને ‘શહીદ’ કહેવાય છે જ્યારે ફાયર વિભાગમાં નોકરી કરતો સ્ટાફ આગમાં પોતાનું પ્રાણ ખોઈ દે તો તેને શહીદ કહેવાતું નથી જે અન્યાય છે. ફાયર વિભાગના અન્ય નિવૃત અધિકારી પ્રવીણ પરમારે કહ્યું કે, જો સરકાર ભ્રષ્ટાચારને કાબુમાં લે તો આવા બનાવો ન બને અને નિર્દોષ લોકો મૃત્યુ ન પામે તેમજ ફાયર વિભાગના સ્ટાફને યોગ્ય ટ્રેનિંગની પણ જરૂર છે જે અંગે સરકારે યોગ્ય ફંડ ફાળવી ટ્રેનીંગ આપવી જોઈએ.
Recent Comments