(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
કેન્દ્રીય બજેટ ૨૦૧૮-૧૯ અઁંગે નિરાશા વ્યક્ત કરતા એનડીએના સાથી પક્ષ ટીડીપીએ આજે કહ્યું કે તે યુદ્ધ જાહેર કરવાની તૈયારી કરી રહ્યા છે અને રવિવારે પાર્ટીની બેઠક બાદ અમે આગળના નિર્ણય લઇશું. નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા રજૂ કરાયેલા બજેટના બીજા દિવસે તેલુગુદેશમ પાર્ટીના સાંસદ ટીજી વેંકટેશે કહ્યું કે, અમારી પાસે ગઠબંધન તોડવાનો વિકલ્પ ખુલ્લો છે. વેંકટેશે કહ્યું કે, અમે યુદ્ધ જાહેર કરવા જઇ રહ્યા છીએ, અમારી પાસે ત્રણ વિકલ્પ છે જેમાં પ્રયાસ ચાલુ રાખવા, સાંસદોના રાજીનામા અને ગઠબંધન તોડવું આમ ત્રણ વિકલ્પ છે પરંતુ અંતિમ નિર્ણય રવિવારની પાર્ટીની બેઠક બાદ કરાશે. એનડીએમાં ભાજપની બીજી સૌથી મોટી ભાગીદાર ટીડીપીએ કેન્દ્રીય બજેટમાં આંધ્રપ્રદેશ માટે નિરાશાજનક જાહેરાતો કરાતા એનડીએ છોડવાનો ગંભીર નિર્ણય લેવાના સંકેત આપ્યા છે. નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા બજેટ રજૂ કરાયાના તરત જ બાદ ટીડીપીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પોતાના સાંસદો સાથે ટેલિફોન પર વાત કરી હતી. આ તમામ સાંસદોએ ફરિયાદ કરી હતી કે, આંધ્રપ્રદેશ માટે કોઇ જાહેરાત કે વાયદાઓ નથી કરવામાં આવ્યા. વિશાખાપટ્ટનમ માટે કોઇ રેલવે ઝોનની જાહેરાત કરવામાં નહોતી આવી જ્યારે રાજ્યના નવા પાટનગર અમરાવતીનું રેલવે સ્ટેશન બાંધવા માટે પણ કોઇ જાહેરાત કરાઇ નહોતી. વિજ્ઞાનઅને ટેકનોલોજી માટેના કેન્દ્રીય રાજ્ય મંત્રી વાયએસ ચૌધરીએ પત્રકારો સમક્ષ જણાવ્યું કે, નાયડુએ ચોથી ફેબ્રુઆરીએ આગળની રણનીતિ ઘડવા માટે વિજયવાડા ખાતે પોતાના સાંસદોની ઇમરજન્સી બેઠક બોલાવી છે. મંત્રીએ એનડીએમાંછી ટીડીપી છેડો ફાડવાના સંકેત આપતા જણાવ્યું કે, બજેટ સંપૂર્ણ નિરાશાજનક હતું. અમે રવિવારે સાંસદોની બેઠકમાં યોગ્ય નિર્ણય કરીશું. અમે કોઇપણ બલિદાન આપવા માટે તૈયાર છીએ. શ્રીકાકુલમના સાંસદ રામમોહન નાયડુએ કહ્યંુ કે, વડાપ્રધાન મોદી સમક્ષ વારંવાર ચંદ્રબાબુએ રજૂઆત કરી હોવા છતાં અમારી માગો પર ધ્યાન આપ્યું નથી. મોદી અને તેમના મંત્રીઓ આંધ્રપ્રદેશ સાથે દત્તકપુત્રનીમ જેમ વ્યવહાર કરે છે.