(સંવાદદાતા દ્વારા)
જામનગર,ગાંધીનગર,તા.૧૩
આજે રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસે વડાપ્રધાન મોદીએ જામનગરની ઈન્સ્ટીટયુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઈન આયુર્વેદ (આઈટીઆરએ) સંસ્થાને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન (રાષ્ટ્રીય મહત્વપૂર્ણ સંસ્થાનો દરજજો) તરીકે જાહેર કરી છે. વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાને ગુજરાતને આયુર્વેદ ઉપચાર, શિક્ષણ અને શોધ-સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરતી મહત્વની ભેટ આપી હતી. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ભારત ગ્લોબલ વેલનેશ સેન્ટર બનશે. હુ દ્વારા એક માત્ર ભારતની ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન માટે પસંદગી કરાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
નરેન્દ્ર મોદીએ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને ભારતનો વારસો ગણાવી સ્પષ્ટપણે કહ્યું હતું કે, આયુર્વેદના સેવનમાં જ માનવજાતની ભલાઈ છે. કોવિડ-૧૯ મહામારીના સમયમાં ભારતનું આ પારંપારિક આરોગ્યલક્ષી જ્ઞાન અન્ય દેશોને પણ મદદકર્તા સાબિત થઈ રહ્યું છે. જેના કારણે સમગ્ર વિશ્વમાંથી આયુર્વેદ ચિકિત્સાને સમર્થન સાંપડી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન માટે સમગ્ર દુનિયામાંથી ભારતની પસંદગી કરવા બદલ વડાપ્રધાને સંસ્થાના મહાનિર્દેશક ટેડ રોસ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, ભારત પાસે આરોગ્ય સાથે જોડાયેલી આયુર્વેદરૂપી બહુ મોટી વિરાસત છે. આ જ્ઞાન વધુ શાસ્ત્ર પુસ્તકોમાં જ રહ્યું છે. આ જ્ઞાનને આધુનિક આવશ્યકતા મુજબ વિકસીત કરવું અતિ આવશ્યક છે અને તેથી જ ર૧મી સદીમાં આધુનિક વિજ્ઞાન સાથે આ જ્ઞાનને જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય હાથ ધરાયું છે. કોરોનાના ઉપચાર માટે તબીબી જગતની તમામ ઉપલબ્ધ પદ્ધતિઓનો સમન્વય થઈ રહ્યો હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે આયુષ મંત્રાલય આજે રાષ્ટ્રીય આરોગ્ય નીતિનું મહત્વનું અંગ સાબિત થઈ રહયું છે અને ભારતમાં પૌરાણિક અને આધુનિક તબીબી જગતનો સમન્વય થઈ રહ્યો છે. દેશમાં કાર્યરત વેલનેસ સેન્ટર પેકી સાડા બાર હજાર સેન્ટર માત્ર આયુર્વેદ ચિકિત્સા પર આધારિત છે. સમગ્ર ભારતમાં કોરોના અંકુશમાં છે, તેમાં આયુર્વેદનો મોટો ફાળો હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું. વડાપ્રધાને કહયું હતું કે ભારતની નવી શિક્ષણ નીતિમાં પણ આરોગ્ય ચિકિત્સાઓમાં આયુર્વેદ પદ્ધતિનો વધુ વ્યાપ થાય તે હેતુથી એલોપથીનો અભ્યાસ કરતા ચિકિત્સકો માટે પણ આયુર્વેદનું જ્ઞાન અને આયુર્વેદના ચિકિત્સકોને પણ એલોપથીનું જ્ઞાન આપવામાં આવશે. સસ્તી અને પ્રભાવી ચિકિત્સા સાથે પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને વેલનેસ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી ભારત વિશ્વ માટે વેલનેસનું કેન્દ્ર બનશે. કોરોના કાળમાં ભારતની આયુર્વેદ પદ્ધતિનો વિશ્વમાં પ્રભાવ વધ્યો છે. આયુર્વેદ દવાઓ નિકાસમાં વધારો થયો છે. આજે અનેક દેશો હળદર, આદુ વગેરે જેવી ઔષધીય ગુણો ધરાવતા મસાલાઓની પણ ભારત પાસેથી વધુ પ્રમાણમાં આયાત કરી રહ્યા છે.
આયુર્વેદિક ક્ષેત્રની જામનગરની અગ્રણી સંસ્થા ITRAનછને રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ સંસ્થાનો દરજ્જો ભારત ગ્લોબલ વેલનેશ સેન્ટર બનશે : મોદી

Recent Comments