જામનગર, તા.૧૧
આયુર્વેદીક સ્નાતકોને સર્જરીની મંજૂરી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે આજે જામનગર શહેર અને જિલ્લાના ૫૦૦થી વધુ તબીબોએ એક દિવસની હડતાલ પાડી વિરોધ દર્શાવ્યો છે. જો કે આ વિરોધ દરમિયાન ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. કોરોનાની મહામારીને લઈને કોઈ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો નથી. જોકે બે દિવસ પહેલા જિલ્લા કલેક્ટરને આ મુદ્દે આઈ.એમ.એ. જામનગર બ્રાંચ દ્વારા આવેદનપત્ર આપી દેવાયું છે.
કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદ સ્નાતકોને સર્જરીની મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેનો ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ખાનગી તબીબો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને આજે એક દિવસ માટે રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરાયું છે. જેના અનુસંધાને જામનગરની ઈન્ડીયન મેડીકલ એસોસિએશનની બ્રાન્ચના નેજા હેઠળ જામનગર શહેર તેમજ સમગ્ર જિલ્લા ભરના ૫૦૦થી વધુ તબીબો એક દિવસની હડતાલમાં જોડાયા છે, અને સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી તમામ ખાનગી હોસ્પિટલો બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું છે.
જોકે આ સમયગાળા દરમિયાન ઈમરજન્સી ની સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. ઉપરાંત કોરોના કાળ ચાલી રહ્યો છે, ત્યારે ખાનગી તબીબો દ્વારા કોઈપણ પ્રકારની રેલી કે ધરણા સહિતનો કોઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો નથી. પરંતુ જામનગર ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ પ્રશાંતભાઈ તન્નાની રાહબરી હેઠળ ચાર હોદ્દેદારો દ્વારા આજથી બે દિવસ પહેલાં જ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી આ મુદ્દે વિશેષ આવેદનપત્ર આપી દેવાયું હતું.
Recent Comments