(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.૧૯
ભરૂચ તાલુકાના ઉપરાલી ગામ ખાતે છેલ્લા એક અઠવાડિયાથી દરબાર, આદિવાસી તથા મુસ્લિમ સમાજ વચ્ચે ચાલતી તંગદિલીમાં ગતરોજ કોમી ધિંગાણુ સર્જાતાં ૭ જેટલા ઈસમો ઘાયલ થવા પામ્યા હતા. આ અંગે નબીપુર પોલીસે રાયોટિંગ તથા એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરાલી ગામે લઘુમતી સમાજની યુવતિના આદિવાસી યુવક સાથે સંબંધો હોવાનો ભ્રામક પ્રચાર કરી વિધ્નસંતોષી તત્વો દ્વારા કાયમ ભાઈચારાથી રહેતા નાનકડા ઉપરાલી ગામને બાનમાં લેવાયું હતું આદિવાસી સમાજના યુવકને છેલ્લા કેટલાય દિવસથી મુસ્લિમ સમાજના લોકોની હત્યા કરવા તેમજ મહિલાઓના ફોટા પાડી વાયરલ કરવા રીતસર આરએસએસના કાર્યકર અને તેના મળતિયાઓ દ્વારા ઉશ્કેરણી કરવામાં આવતી હતી. જો કે ગત શનિવારના રોજ આ સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટી જતાં અને સ્થિતિ વધુ વણસે તેમ હોઈ મુસ્લિમ સમાજનું એક પ્રતિનિધિ મંડળ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યું હતું. જો કે પીએસઆઈ લાડવાએ સ્થળ પર પહોંચી મુસ્લિમ અને આદિવાસી સમાજના લોકો વચ્ચેની ગેરસમજ દૂર કરી સમાધાન કરાવ્યું હતું પોલીસ સમાધાન કરાવી જેવી ગામથી રવાના થઈ તેવા જ સમયે આરએસએસના કાર્યકર ઉપેન્દ્રસિંહ માત્રોજા તેના મળતિયાઓ દિલીપસિંહ માત્રોજા, અનિરૂધ્ધસિંહ માત્રોજા, હેમરાજસિંહ માત્રોજા તેમજ મહેન્દ્રસિંહ માત્રોજાનાઓએ મુસ્લિમો સાથે સમાધાન કરી લેનાર અમિત કાભઈ વસાવા તથા તેમના પિતા કાભઈ વસાવા અને સરોજબહેનને ઘેરી લઈ તમે ભીલડાઓ, મુસલમાનો સાથે સમાધાન કેમ કર્યું તેમ જણાવી ધીકાપાટુનો અને સપાટા વડે હુમલો કરી સરોજબેનના કપડાં ફાડી નાંખી બિભત્સ ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપતાં આ અંગે અમિત વસાવાએ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો ૩ર૩, ૩ર૪, પ૦૪ (બી) જીપી એકટ ૧૩પ તથા એટ્રોસિટી એકટ હેઠળ ઉપેન્દ્ર ઉર્ફે ઉજજવલ માત્રોજા સહિત કુલ પાંચ ઈસમો વિરુધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવમાં ઘાયલ અમિત વસાવા, કાભઈ, સરોજબેન તેમજ અઝીઝ પટેલ સહિતનાઓને વેલફેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.