(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૧૪
કોર્પોરેશન દ્વારા દર વર્ષે કરદાતાઓ પાસેથી વસુલવામાં આવતા આકડા અને ઉંચા દરનાં આજીવન ઘરવેરાને ઘટાડવા અને તે ઘરવેરો લોકો ક્યાં સુધી ભરે તે માટેની એક ચોકક્સ સમયમર્યાદા નક્કી કરીને તે વેરાનાં બોજામાંથી કરદાતાઓને રાહત અને મુક્તિ મળે તેવી લડત ટીમ આરટીઆઇએ ઉપાડી છે. આ માટે આરટીઆઇ એકટીવીસ્ટ અને સામાજીક કાર્યકર અંબાલાલ પરમાર સહિતનાં એકટીવીસ્ટો મુખ્યમંત્રીને પરવાનગી લઇ મળવા ગયા હતા. તેમ છતાં તેમને આખો દિવસ બેસાડી રાખી મુખ્યમંત્રીના પીએ એ આરટીઆઇ ટીમનાં સભ્યો સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. જે અંગે એકટીવીસ્ટો એ રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું.
ઘરવેરા અંગે ગુજરાત પ્રિવેન્સીઅલ ઓફ મ્યુનિસિપલ કોડ એકટમાં જે ઘરવેરા નિયમો છે તે નિયમોમાં જ્યાં સુધી ફેરફાર કરીને તેને બદલવામાં ન આવે ત્યાં સુધી તેનો અમલ લાગું થઇ શકતો નથી અને તે એકટના નિયમોમાં ફેરફાર કરવા માટેની સત્તા માત્ર મુખ્યમંત્રીને અને રાજ્યનાં ચીફ સેક્રેટરી સિવાય કોઇની પાસે નથી તેને ધ્યાનમાં લઇને આ મુદ્દે આરટીઆઇ ટીમનાં સભ્યો ગત તા.૭મી ઓગષ્ટનાં રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળવા તેની કચેરીએ ગયા હતા. સીએમ કચેરીમાં હાજર હોવા છતાં તેમના પીએ શૈલેષ માંડલીયાએ એકટીવીસ્ટ કાર્યકરોને આખો દિવસ કચેરીમાં બેસાડી રાખ્યા બાદ સીએમને મળવા દીધા ન હતા. આ અંગે એકટીવીસ્ટોની ટીમે પુછપરછ કરતાં તેઓને પીએ માંડલીયાએ તમારા જેવા રાજ્યમાંથી રોજનાં અનેક લોકો આવે છે. તેમને પણ અમે આખો દિવસ બેસાડી રાખીએ છીએ તેમ કહી તોછડી ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ વ્યવહાર સામે આરટીઆઇ વિકાસ પંચના પ્રમુખ અંબાલાલ પરમારે રોષ વ્યકત કર્યો હતો. પોતાની ટીમ સાથે થયેલ વ્યવહાર અંગે ચીફ સેક્રેટરીને લેખીતમાં ફરિયાદ કરી હતી. સામાન્ય નાગરીકો સાથે સીએમ કચેરી પોતાની પેઢી હોઇ તેમ પીએમ માંડલીયાએ કરેલા વ્યવહાર સામે રાજયપાલને આવેદનપત્ર આપી પીએની બદલી કરવાની માંગણી કરી છે.