(એજન્સી) તા.૨૪
પૂર્વ કેન્દ્રીય માહિતી કમિશ્નર શ્રીધર આચર્યુલુએ સાંસદોને માહિતીના અધિકાર(આરટીઆઈ) કાયદા પર પ્રસ્તાવિત સુધારા બિલને નકારવા માટે અપીલ કરી હતી. તેમણે તેને કેન્દ્રીય માહિતી પંચ(સીઆઈસી)ની પીઠમાં છરો ભોંકનારા અને કાયદા પર ઘાતક પ્રહાર ગણાવ્યો છે.
અનેક હાઈપ્રોફાઇલ કેસમાં પારદર્શક આદેશો માટે ચર્ચિત આચાર્યુલુએ કહ્યું કે પ્રસ્તાવિત પરિવર્તન માહિતી પંચની સ્વાયત્તતાને ગંભીર રીતે નબળી કરશે. પ્રસિદ્ધ કાયદાના પ્રોફેસર આચાર્યુલુએ કહ્યું કે આ પ્રકારના ખોટા ઉપાયો માહિતી કમિશ્નરોને ખુલાસા આદેશ જારી કરવાને લઈને નિષ્ક્રીય કરી નાખશે. તે આરટીઆઈના ઉદ્દેશ્યોને લાગુ કરવામાં નિષ્ફળ રહેશે.
તેમણે સાંસદોને સંબોધીને લખેલા પત્રમાં કહ્યું કે જો સાંસદો આ બિલને મંજૂરી આપશે તો રાજ્ય અને કેન્દ્ર સરકારમાં માહિતી કમિશ્નર વરિષ્ઠ બાબુઓના આદેશ માનનારા અને તેમની પાછળ ચાલનારા બની જશે. હું લોકસભા અને રાજ્યસભા સભ્યોને આ બિલનો વિરોધ કરવા અને તેને નકારવાની અપીલ કરું છું. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં રાજ્યસભા સાંસદોની વધારે જવાબદારી બને છે. આચાર્યુલુ મુજબ સુધારા બિલમાં માહિતી કમિશ્નરોનું કદ ઘટાડી દીધું છે. હાલ તેમનો હોદ્દો ચૂંટણી કમિશ્નર અને સુપ્રીમકોર્ટના જજ સમાન છે.