(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૨
રાજ્યના સંયુક્ત શિક્ષણ નિયમક દ્વારા આરટીઇ એક્ટ ૨૦૦૯ અંતર્ગત બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાને અનુલક્ષીને જાહેર કરાયેલા પરિપત્રના કારણે ખાનગી શાળા સંચાલકોમાં ભૂકંપ સર્જાયા જેવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આ પરિપત્રમાં જે કોઇપણ ખાનગી શાળાઓએ સરકારની કોઇપણ પ્રકારની સહાય લીધી હોય તેમણે હવે પછી આરટીઇ અંતર્ગત અપાતા કે અપાયેલા વિદ્યાર્થીઓના પ્રવેશની સરકાર ચૂકવશે નહીં.
આરટીઇ એક્ટની કલમ ૧૨ (૧)(સી)માં એવી જોગવાઇ છે કે, જે શાળાઓએ સરકાર પાસેથી કોઇ જમીન,મકાન, સાધન સામગ્રી, અથવા અન્ય કોઇ પ્રણ બીજી પ્રકારની સગવડો વિનામૂલ્યે અથવા રાહતના દરે મેળવી હોઇ, તેવી શાળાઓ આરટીઇ હેઠળ પ્રવેશ આપેલ વિદ્યાર્થીઓ માટે ફી રીએમ્બર્સ મેળવવા પાત્ર નથી.
આ જોગવાઇના અનુસંધાનમાં રાજ્યના સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા એક પરિપત્ર તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ગત તા.૯મી જૂનના રોજ મોકલવામાં આવ્યો છે. જેની જાણ ત્યાર બાદ ખાનગી શાળાઓને કરવામાં આવી છે.વાત આટલેથી અટકતી નથી. પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ પરિપત્રના માધ્યમથી ખાનગી પ્રાથમિક શાળાઓ પાસેથી રુા.૫૦ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું પણ માગ્યું છે. જેથી જે શાળાઓએ સરકાર પાસેથી આજદિન સુધી કોઇપણ પ્રકારની સહાય લીધી ન હોય તેમને તે મુજબનું સોગંદનામું પણ આપવાનું છે.
સુરતની ખાનગી શાળાઓને આ માટે તા.૧૫મી જૂનના રોજ એક જ દિવસમાં તબક્કાવાર શહેરના નાનપુરા ખાતેની ટીએન્ડટીવી સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે હાજર રહેવાનું છે. રાજ્ય સરકારના આ પરિપત્રના કારણે સુરતની ખાનગી સ્કૂલ સંચાલકોમાં ભૂકંપ જેવો આંચકો અનુભવાયો છે. જેઓ સરકારના આ પરિપત્રથી અત્યંત નારાજ હોવાનું પણ જાણવા મળે છે.