(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮
કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમે બચત (ટેક્સેબલ) બોન્ડ યોજનાને બંધ કરવા માટે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, સરકારે બચત કરનારા નાગરિકો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને વધુ એક ઝટકો આપ્યો છે. સરકારે ૭.૭૫ ટકા આરબીઆઈ બોન્ડ્‌સને બંધ કર્યા છે. પરંતુ સરકાર પોતાના નાગરિકોને જોખમ મુક્ત રોકાણ વિકલ્પ આપવા માટે બાધ્ય છે. ચિદમ્બરમે જણાવ્યું કે, પહેલા પણ જાન્યુઆરી ૨૦૧૮માં સરકારે એક વખત કર્યો હતો. પરંતુ મેં આનો વિરોધ કર્યો હતો. બીજા દિવસે તેમણે બોન્ડ ફરીથી રજૂ કર્યા પરંતુ વ્યાજદરને ૮ ટકાથી ઘટાડીને ૭.૭૫ ટકા કરી દીધા છે. પ્રભાવી રીતે ટેક્સ બાદ બોન્ડ માત્ર ૪.૪ ટકા વળતર આપશે. પરંતુ હવે આને પણ બંધ કરી દીધા છે કેમ ? હું આ કાર્યવાહીની નિંદા કરૂં છું. આરબીઆઈએ ૨૭ મેના રોજ એક નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું હતું કે, ૭.૭૫ ટકાના બચત (ટેક્સેબલ) બોન્ડ ૨૮ મે, ૨૦૨૦ના રોજ બેંકિંગ કાર્ય સમાપ્ત થયા બાદ રોકાણ માટે ઉપલબ્ધ રહેશેે નહીં.