(એજન્સી) એનાદોલું એજન્સી, તા.૨૫
જોર્ડન, ઈજિપ્ત, ફ્રાન્સ અને જર્મનીના વિદેશ મંત્રીઓએ ઇઝરાયેલ અને પેલેસ્ટીનને સંઘર્ષનો અંત લાવી ફરીથી શાંતિ મંત્રણા શરૂ કરવા જણાવ્યું છે. ઉપરોક્ત દેશોના વિદેશ મંત્રીઓ અને યુરોપીય યુનિયનના પ્રતિનિધીઓએ મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાની પ્રક્રિયા શરૂ થાય એ માટે મિટીંગ યોજી હતી. એ મિટીંગ પછી એમણે નિવેદન બહાર પાડ્યું હતું. મિટીંગમાં ઇઝરાયેલ અને પેલેસ્ટીન વચ્ચે સંઘર્ષનું અંત લાવવા ભાર મૂકવામાં આવ્યું હતું અને બંને તરફથી શાંતિ વાર્તા શરૂ કરવા જણાવાયું હતું. જોર્ડનના વિદેશ મંત્રી અયમાન સફાદીએ આ બાબતે પોતાના દેશની ચિંતા દર્શાવતા “ઇઝરાયેલી-પેલેસ્ટિનિયન વાટાઘાટોમાં ગતિરોધ” તરીકે વર્ણવ્યું. આ જ સંદર્ભે ઈજિપ્તના વિદેશ મંત્રી સમેહ શોઉક્રીએ શાંતિ સમજૂતી તરફ પ્રયાસ કરવાના મહત્વ ઉપર ભાર મૂક્યું, એમણે કહ્યું કે ઇઝરાયેલ સાથે હાલમાં જ કરાયેલ શાંતિ સમજૂતીઓથી આ વિસ્તારમાં નક્કર શાંતિ મેળવવામાં મદદ મળશે. ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-યવેસ લિ ડ્રિયને ઇઝરાયેલને વિંનતી કરી કે તેઓ વેસ્ટ બેંકમાં કબજાઓ કરવાની યોજનાઓ પડતી મૂકે અને આ ક્ષેત્રમાં શાંતિ ત્યારે જ સ્થાપશે જયારે બે રાષ્ટ્રોની વાત માનવામાં આવશે. જર્મનીના વિદેશ મંત્રી હેઈકો માસએ હાલમાં ઇઝરાયેલ દ્વારા યુએઈ અને બેહરીન સાથે કરાયેલ સમજૂતીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે આનાથી દેખાય છે કે આ ક્ષેત્રમાં શાંતિ મેળવી શકાય છે. ૧૫મી સપ્ટેમ્બરે યુએઈ અને બેહરીને અમેરિકામાં બધું વૈમનસ્ય અને પેલેસ્ટીનનો મુદ્દો ભૂલીને ઇઝરાયેલ સાથે શાંતિ સમજૂતી કરી રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા. ઈઝરાયેલે વસાહતો ઊભી કરવાની પ્રક્રિયા ચાલુ રાખતા અને પેલેસ્ટીનિયન કેદીઓને મુક્ત નહિ કરતા અને બે દેશોની થીયરી નહિ સ્વીકારતા ૨૦૧૪ના વર્ષથી ઇઝરાયેલ અને પેલેસ્ટીન વચ્ચેની વાતચીત અટકેલ છે.