(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
એમડી ડ્રગ્સના ધંધાની આડે આવી રહેલા સગા ભાઈની હત્યા કરી દેનાર ડ્રગ પેડલર સહિત ચાર હત્યારાની પોલીસે ધરપકડ કરીને કાનુની કાર્યવાહી શરૂ કરી છે. ૧૫ દિવસ પહેલા એમડી ડ્રગ્સનું વેચાણ બંધ કરવાની વાતને લઈ આરીફે અલ્તાફ સાથે ઝઘડો કર્યો હતો જેની અદાવર રાખીને ભાઈને મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે, મુખ્ય સુત્રધાર એવો અલ્તાફ પોલીસની પકડની બહાર છે.
રાંદેરના ઈકબાલ નગરમાં ૩૮ વર્ષીય આરીફ રહેમાન સૈયદ, પત્ની, ત્રણ દીકરી અને એક દીકરા સહિતના પરિવાર સાથે રહેતો હતો અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આજે વહેલી સવારે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન કોઝવે નજીક નજીક ભાઈ અલ્તાફ સૈયદે અન્ય સાગરીતો સાથે વોચ ગોઠવી હતી. અને આરીફ આવતાની સાથે બાઈક પરથી નીચે ઉતારી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ આરીફ મંડળી ભાગી ગઈ હતી. ઘર નજીક જ હુમલો થતા લોકો દોડી આવ્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, ૧૫ દિવસ પહેલા આરીફનો તેના ભાઇ અલ્તાફ વચ્ચે મહોલ્લામાં એમડી ડ્રગ્સ નહીં વેચવાને લઇ મોટો ઝઘડો થયો હતો. ત્યારબાદથી બંને વચ્ચે ઝઘડાઓ થયા કરતા હતા. બનાવ સંદર્ભે રાંદેર પોલીસે મરણ જનાર આરીફના ભાઇની ફરીયાદના આધારે ૯ જેટલા ઇસમો સામે હત્યાનો ગુનો નોધી ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીની પુછપરછ કરતાં પોતાના નામ મોહંમદ તુફેલ ઉર્ફે કોયલા શેખ , જહાંગીરખાન ઉર્ફે અપ્પુ બલોચ , સલમાન ઉર્ફે ગાંધી શેખ અને ફરહાદ ગલીયારા હોવાનું જણાવ્યુ છે.